૩૫ સ્ટોલ્સ અને ૧૫ ફૂડ સ્ટોલ્સ સાથે ખેડૂતોને મળ્યું સીધું બજાર અને નાગરિકોને સ્વસ્થ વિકલ્પ
સુરતના અડાજણ વિસ્તારમાં પૌષ્ટિક મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘મિલેટ્સ મહોત્સવ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ મહોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરમુક્ત ખેતી દ્વારા તૈયાર થયેલું ધાન્ય જ લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તીની સાચી જડીબુટ્ટી છે. જિલ્લા ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પકવતા ખેડૂતો માટે ૩૫ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકો સીધા ખેડૂતો પાસેથી શુદ્ધ આહાર ખરીદી શકે છે.
‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો જમાનો
આધુનિક સમયમાં સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રાકૃતિક કૃષિને અનિવાર્ય ગણાવતા મંત્રીશ્રીએ એક નવો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, જેવી રીતે આપણે ‘ફેમિલી ડોક્ટર’ રાખીએ છીએ, તેવી જ રીતે હવે ‘ફેમિલી ફાર્મર’ રાખવાનો સમય આવી ગયો છે. જો કોઈ પરિવાર પાસે શુદ્ધ અને સાત્વિક આહાર પૂરો પાડતો ખેડૂત હશે, તો તે પરિવારને હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જેના કારણે આજે આખું વિશ્વ ભારતીય પૌષ્ટિક ધાન્ય તરફ વળ્યું છે.
ભારતીય ઋષિમુનિઓનું કૃષિ વિજ્ઞાન અને પ્રાચીન પરંપરા
મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન કૃષિ વિજ્ઞાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ ખેતી પર અદભૂત સંશોધનો કર્યા છે. દધિચી ઋષિની અળસિયા પદ્ધતિની ખેતી અને ગૃત્સમદ ઋષિ દ્વારા કરવામાં આવેલી કપાસની શોધ આપણી વૈદિક સંસ્કૃતિનું અમૂલ્ય ઘરેણું છે. તેમણે ભેળસેળ કરનારા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો દેશવાસીઓ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો અપનાવશે, તો ભારત એક સશક્ત અને તંદુરસ્ત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં ઉભરી આવશે.
અવનવી મિલેટ્સ વાનગીઓ અને લાઈવ ફૂડ સ્ટોલ્સનું આકર્ષણ
આ મહોત્સવમાં મુલાકાતીઓ માટે ૧૫ જેટલા લાઈવ ફૂડ સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં મિલેટ્સમાંથી બનેલી અવનવી વાનગીઓનો આસ્વાદ માણી શકાય છે. નાગલીના ઢોકળા, જુવાર-બાજરીના રોટલા, મિલેટ વડા અને લાલ કડા પેજુ જેવી વાનગીઓ સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત, હળદર, કોદરો, મધ અને ગોળ જેવી શુદ્ધ ખેતપેદાશોનું પણ વેચાણ થઈ રહ્યું છે. ૨૨મી માર્ચ સુધી ચાલનારા આ મેળામાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન જેવા વિષયો પર માર્ગદર્શન પણ આપવામાં આવશે.

