સુરત : ચાઈના – ભારત સામે આડકતરી રીતે પોતાનો રોષ ઠાલવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન પણ ચાઈના સાથે મળી ભારતને હેમખેમ રીતે હેરાન – પરેશાન કરવા અવનવા પ્રયાસ કરતો રહ્યો છે. જેને લઈ ભારતીય નાગરિકોમાં ચાઈના પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી તેની જ ભાષામાં જવાબ આપવા સુરતમાં વીએચપી દ્વારા ચીની પ્રોડક્ટની હોળી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુરતના અડાજણ સ્થિત ઋષભ ચાર રસ્તા નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાઈના બનાવટના રમકડાં સહિતની ચીજ – વસ્તુઓની હોળી કરી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. ચીન અને પાકિસ્તાન સાથે મળી આડકતરી રીતે ભારત ને પરેશાન કરી રહ્યો છે.ચીનનું માર્કેટ મોટા ભાગે ભારત પર નિર્ભર કરે છે.ચીનની સૌથી વધુ પ્રોડક્ટ ભારતના બજારમાં ઠલવાય છે. ત્યારે ચાઈના બનાવટની પ્રોડકટનું વેચાણ અને ખરીદ બંધ કરી જડબાતોડ જવાબ આપવાના સંકલ્પ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીની પ્રોડકટનું બહિષ્કાર કરી હોળી કરવામાં આવી હતી. આ સાથે ઘરે ઘરે પત્રિકાઓ વેચી ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરવા લોકોને સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો.