સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં ફસાયા: નોકરીના બહાને એજન્ટે ખેલ્યો મોતનો ખેલ!
ગુજરાતના યુવાનોને વિદેશમાં સારી નોકરીનો લાલચ આપી ઠગવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સુરત, વડોદરા અને ભરૂચના અનેક યુવાનો બેલારુસમાં ફસાયા હોવાનો ખુલાસો થયો છે. નોકરી આપવાના બહાને એજન્ટો દ્વારા તેમને ત્યાં લઈ જવામાં આવ્યા, પરંતુ પહોંચ્યા બાદ ન તો વચન મુજબ નોકરી મળી, ન તો યોગ્ય પગાર ચૂકવવામાં આવ્યો.
આ મામલે એક નવસારીની યુવતી સુધી બેલારુસમાં સ્થાયી થયેલા એક ગુજરાતી યુવકે સંપર્ક કર્યો હતો. તેણે ત્યાં ફસાયેલા યુવાનોની હકીકત જણાવી મદદની વિનંતી કરી હતી. ત્યારબાદ વધુ તપાસમાં બહાર આવ્યું કે સુરત સહિત અન્ય શહેરોના યુવાનો પણ આ જ નેટવર્કનો શિકાર બન્યા છે.
યુવકોનું કહેવું છે કે એજન્ટોએ વિદેશમાં ઊંચા પગાર, રહેઠાણ અને સ્થિર ભવિષ્યના સપના બતાવી લાખો રૂપિયા વસૂલ્યા હતા. પરંતુ બેલારુસ પહોંચ્યા પછી તેમને ઓછી પગારવાળી કામગિરી કરાવવામાં આવી, કેટલીક જગ્યાએ તો મહીનાઓ સુધી પગાર પણ આપવામાં આવ્યો નથી. ન તો યોગ્ય રહેણાંક સુવિધા મળી, ન તો કાયદેસર દસ્તાવેજો પૂરાં પાડવામાં આવ્યા.
ફસાયેલા યુવાનોને રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. ઘણા યુવકો આર્થિક રીતે તૂટી પડ્યા છે અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ પોતાના પરિવારથી દૂર, અજાણી ભૂમિ પર અસુરક્ષિત સ્થિતિમાં જીવવા મજબૂર છે.
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવાનો પોતાની વ્યથા અને દુઃખ વ્યક્ત કરતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજ્યભરમાં આ મામલે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
પરિવારજનોએ સરકાર અને પોલીસ પ્રશાસન પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. તેમણે માંગ કરી છે કે વિદેશમાં ફસાયેલા યુવાનોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે અને આ કૌભાંડ પાછળના એજન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સત્તાવાળાઓ તરફથી મામલે તપાસ શરૂ કરાઈ હોવાનું જણાવાયું છે અને ટૂંક સમયમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે