લોકસભામાં પીયૂષ ગોયલનું નિવેદન: અમેરિકા સાથેના વેપાર કરારમાં કૃષિ અને ડેરી સુરક્ષિત, ભારત પર અમેરિકન ટેરિફ અન્ય દેશો કરતા ઓછા
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારમાં ભારતે પોતાના સંવેદનશીલ ક્ષેત્રો જેવા કે કૃષિ અને ડેરીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખ્યા છે. તેમણે કહ્યું કે આ સમજૂતી ‘વિકસિત ભારત’ના લક્ષ્યોને સશક્ત કરશે અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલને વધુ મજબૂતી પ્રદાન કરશે.
ગોયલે જણાવ્યું હતું કે આ સમજૂતી શ્રમ-આધારિત (labor-intensive) ક્ષેત્રોની નિકાસને પ્રોત્સાહન આપશે અને ભારતીય નિકાસકારોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં લાગતા ટેરિફ સ્પર્ધક દેશોની સરખામણીએ ઓછા હશે, જેનાથી ભારતના નિકાસકારોને મોટો ફાયદો થશે.
MSME અને વ્યાવસાયિકો માટે નવી તકો
મંત્રીએ કહ્યું કે આ સમજૂતી કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે અમેરિકન બજારમાં નવી તકોના દ્વાર ખોલશે.
ગોયલે મંગળવારે સાંજે ટીવી પર પણ જનતાને આ સમજૂતી વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ડીલ અત્યારે અંતિમ તબક્કામાં છે, ત્યારબાદ જ તેના પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે.
તેમણે કહ્યું, “આજે 140 કરોડ ભારતીયો એ વેપાર કરારની ઉજવણી કરી રહ્યા છે, જે બંને દેશોની વાટાઘાટ ટીમો વચ્ચે અંતિમ તબક્કામાં છે. અમે ટૂંક સમયમાં બંને દેશો તરફથી સંયુક્ત નિવેદન બહાર પાડીશું અને સમજૂતીની ટેકનિકલ વિગતો શેર કરવામાં આવશે. હું દરેક ભારતીયને ખાતરી આપું છું કે આ સમજૂતીની વિગતોથી દરેક ભારતીય ગર્વ અનુભવશે.”
અમેરિકન પક્ષની પ્રતિક્રિયા
ટ્રમ્પ વહીવટીતંત્રના યુએસ ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીયરે જણાવ્યું હતું કે સમજૂતીના દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ભારતે કૃષિ ઉત્પાદનોની સુરક્ષા જાળવી રાખી છે. જોકે, કેટલાક મહત્વના પ્રશ્નો હજુ બાકી છે.
લોકસભામાં હોબાળો
આ દરમિયાન, વિરોધ પક્ષના સભ્યોના વિરોધ પ્રદર્શનને કારણે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ હતી અને હોબાળાને કારણે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
ગોયલના 20 મિનિટના ભાષણમાં સમજૂતીની વ્યાપક પ્રશંસા સાથે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધીની ટીકા પણ સામેલ હતી.
