LNG નિકાસમાં અમેરિકા નંબર-1, ઓસ્ટ્રેલિયા અને કતારની કેટલી છે ક્ષમતા?
વિશ્વભરમાં વધી રહેલા પર્યાવરણીય પ્રદૂષણ અને ઊર્જાની બદલાતી જરૂરિયાતો વચ્ચે વૈશ્વિક સ્તરે પ્રાકૃતિક ગેસ એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો વેપાર ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે. દુનિયાના અનેક દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં કયો દેશ સૌથી મોટો સપ્લાયર છે, તેનું મહત્વ ઘણું વધી જાય છે.

ગ્લોબલ એનર્જી મોનિટર અને સ્ટેટિસ્ટાના તાજેતરના આંકડા અનુસાર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કતર આ સમગ્ર એલએનજી બજારના મુખ્ય મજબૂત સ્તંભો છે. આ દેશોની ઉત્પાંદન અને નિકાસ ક્ષમતા વિશ્વના તમામ દેશોની ઊર્જા સુરક્ષાની દિશા નક્કી કરે છે. આ ક્ષેત્રમાં થતી કોઈ પણ ભૌગોલિક કે રાજકીય હલચલની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ અને પુરવઠા પર પડે છે.
અમેરિકા બન્યો વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર
ગ્લોબલ એનર્જી મોનિટરના આંકડા દર્શાવે છે કે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની નિકાસ કરવાના મામલે અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે. અમેરિકાની કુલ ક્ષમતા 102.3 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ નોંધવામાં આવી છે, જે દુનિયાના અન્ય કોઈ પણ દેશની સરખામણીએ સૌથી વધુ છે.
અમેરિકાએ વર્ષ 2023માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા અને કતર જેવા મોટા ખેલાડીઓને પાછળ છોડીને વિશ્વના સૌથી મોટા એલએનજી નિકાસકાર દેશનો તાજ પોતાના નામે કર્યો હતો. તે વર્ષે અમેરિકાએ રેકોર્ડબ્રેક 9.12 કરોડ મેટ્રિક ટન ગેસની નિકાસ કરી હતી અને ત્યારથી જ તેણે વૈશ્વિક બજારમાં પોતાની પકડ મજબૂત જાળવી રાખી છે.
ટોચના ત્રણ દેશોનું વૈશ્વિક બજાર પર એકહથ્થુ શાસન
વૈશ્વિક એલએનજી બજારમાં શરૂઆતના પ્રથમ ત્રણ દેશોનું ભારે વર્ચસ્વ જોવા મળે છે.
અમેરિકા: 102.3 મિલિયન ટન પ્રતિ વર્ષની ક્ષમતા સાથે પ્રથમ સ્થાને.
ઓસ્ટ્રેલિયા: 81.8 મિલિયન ટનની ક્ષમતા સાથે વિશ્વમાં બીજા સ્થાને.
કતર: 77.1 મિલિયન ટનની ક્ષમતા સાથે ત્રીજા સ્થાને આવે છે.
અહીં નોંધનીય છે કે અમેરિકાની ઉત્પાદન ક્ષમતા કતર કરતાં લગભગ 25 મિલિયન ટન જેટલી વધારે છે. જો આ ત્રણેય દેશોની કુલ ક્ષમતાનો સરવાળો કરવામાં આવે તો તે આશરે 261 મિલિયન ટન થાય છે. આ આંકડો વિશ્વના ટોચના દસ નિકાસકાર દેશોની કુલ ક્ષમતાનો લગભગ 62 ટકા જેટલો જંગી હિસ્સો બનાવે છે. આ આંકડાઓ જ દર્શાવે છે કે ગ્લોબલ ગેસ સપ્લાય ચેઇન પર આ ત્રણેય દેશોનો કેટલો મોટો પ્રભાવ છે.

ચોથાથી દસમા ક્રમે કયા દેશો છે?
પ્રથમ ત્રણ દેશો બાદ વૈશ્વિક રેન્કિંગમાં અન્ય દેશોની સ્થિતિ ક્ષમતાની દ્રષ્ટિએ ઘણી પાછળ જોવા મળે છે.
ચોથા સ્થાને રશિયા આવે છે, જેની કુલ એલએનજી ક્ષમતા 36.6 મિલિયન ટન છે—જે કતરની ક્ષમતાના અડધાથી પણ ઓછી છે. આ પછી પાંચમા ક્રમે મલેશિયા (31.5 મિલિયન ટન), છઠ્ઠા ક્રમે અલ્જીરિયા (25.3 મિલિયન ટન), સાતમા ક્રમે નાઇજીરિયા (22.2 મિલિયન ટન) અને આઠમા ક્રમે ઇન્ડોનેશિયા (19.2 મિલિયન ટન) નો સમાવેશ થાય છે.
જ્યારે આ યાદીના છેલ્લા બે સ્થાનો પર ઇજિપ્ત (12.2 મિલિયન ટન) નવમા ક્રમે અને ટ્રિનિડાદ એન્ડ ટોબેગો (12 મિલિયન ટન) દસમા ક્રમે રહેલા છે.
પ્લાન્ટ ક્ષમતા અને વાસ્તવિક નિકાસ વચ્ચેનો તફાવત
આ સમગ્ર આંકડાકીય રમતને સમજવા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કાગળ પર દર્શાવાયેલી પ્લાન્ટ ક્ષમતા (Installed Capacity) અને વાસ્તવિક નિકાસ (Actual Exports) વચ્ચે તફાવત હોય છે. ક્ષમતાનો અર્થ એ છે કે કોઈ પણ દેશનો પ્લાન્ટ આખા વર્ષ દરમિયાન મહત્તમ કેટલું ઉત્પાદન કરવાની તાકાત ધરાવે છે. જ્યારે વાસ્તવિક નિકાસ એ વૈશ્વિક માંગ, સપ્લાય ચેઇનની સ્થિતિ અને સ્થાનિક જરૂરિયાતો મુજબ ઉપર-નીચે થઈ શકે છે.
જોકે, વ્યવહારિક ધોરણે પણ અમેરિકા જ વાસ્તવિક નિકાસના કિસ્સામાં સૌથી આગળ ચાલી રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેના ઉત્પાદન એકમો સતત ઉચ્ચ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે અને તે વૈશ્વિક ખરીદદારોને વિના અડચણે સતત ઇંધણ પૂરું પાડી રહ્યું છે.
