સખી મંડળની સહાયથી નયનાબેન વાળંદે શરૂ કર્યો પ્રાકૃતિક સાબુનો વ્યવસાય, વર્ષે ૫૦ હજાર સુધીની આવક
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામના નયનાબેન વાળંદે ઉનાળામાં ખીલતા કેસૂડાના ફૂલોને આવકનું સાધન બનાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમની આ સફળગાથા પ્રેરણારૂપ છે. ‘જ્યોત સખી મંડળ’ના પ્રમુખ નયનાબેને જંગલોમાં “ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ” તરીકે ઓળખાતા કેસૂડાના તેજસ્વી નારંગી ફૂલોનો ઉપયોગ કરીને ઓર્ગેનિક સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. આ કુદરતી સાબુ ઉનાળાની કડકડતી ગરમીમાં લોકોને ઠંડક આપવાની સાથે ચામડીના રોગોમાં પણ રાહત આપે છે.
સખી મંડળ અને તાલીમ દ્વારા ‘સ્માર્ટ બિઝનેસ વુમન’ તરફની સફર
નયનાબેન છેલ્લા ૧૮ વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલા છે. તેમણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (NRLM) અને સ્થાનિક કંપની અપોલોના સહયોગથી કુદરતી વસ્તુઓમાંથી સાબુ બનાવવાની ખાસ તાલીમ લીધી હતી. મંડળમાંથી લોન અને સાધન સામગ્રીની સહાય મળતા તેમણે પોતાનું નાનું યુનિટ શરૂ કર્યું છે. આ વ્યવસાય દ્વારા તેઓ દર મહિને અંદાજે ૪ હજાર રૂપિયા અને વર્ષે મેળા તેમજ સ્થાનિક વેચાણ દ્વારા ૫૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરી આત્મનિર્ભર બન્યા છે.
વિવિધ કુદરતી વસ્તુઓમાંથી ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું નિર્માણ
નયનાબેન માત્ર કેસૂડો જ નહીં, પણ ગુલાબ, એલોવેરા, ચારકોલ, લીંબુ, ચોખા અને મુલતાની માટીનો ઉપયોગ કરીને પણ ઓર્ગેનિક સાબુ બનાવે છે. ઉનાળામાં કેસૂડાના સાબુની માંગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત, તેમના સખી મંડળની બહેનો સાથે મળીને પાપડી, અથાણું, ચાનો મસાલો અને આમળાનું શરબત જેવી શુદ્ધ ખાદ્યસામગ્રીઓ પણ ઓર્ડર મુજબ બનાવે છે. મંડળની બચત અને લોન દ્વારા ગ્રામીણ મહિલાઓ હવે પોતાના વ્યક્તિગત વ્યવસાય શરૂ કરી રહી છે.
કેસૂડાના ઔષધીય ગુણો: સ્વાસ્થ્ય માટે કુદરતી વરદાન
આયુર્વેદ મુજબ કેસૂડો અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેના ફૂલોના પાણીથી સ્નાન કરવાથી અળાઈઓ, ખંજવાળ અને લૂ સામે રક્ષણ મળે છે. કેસૂડો કુદરતી રીતે ઠંડો હોવાથી તે શરીરની ગરમી શાંત કરે છે અને ચામડીને તેજસ્વી બનાવે છે. આ ઉપરાંત, તે પાચન શક્તિ સુધારવા અને બ્લડ શુગર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આમ, નયનાબેને કુદરતી વારસાને આધુનિક જરૂરિયાત સાથે જોડીને એક સફળ વ્યવસાયિક મોડેલ તૈયાર કર્યું છે.

