ભારતીય લોકશાહીનો નવો સૂર્યોદય: ૨૦૨૯માં મહિલા અનામત સાથે ચૂંટણી યોજવા વડાપ્રધાન મોદીનો હૂંકાર
મંગળવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કરોડો મહિલાઓને સંબોધીને એક ઐતિહાસિક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો ૨૦૨૯ની લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજવામાં આવશે, તો ભારતની લોકશાહી વધુ મજબૂત, ગતિશીલ અને સર્વસમાવેશી બનશે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું છે કે હવે ભારતની દીકરીઓએ પોતાના હક માટે અનંતકાળ સુધી રાહ જોવાની જરૂર નથી.
‘નારી શક્તિ વંદન અધિનિયમ’માં સુધારાની જરૂરિયાત
સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદ દ્વારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. જોકે, વર્તમાન કાયદા મુજબ આ અનામત ૨૦૨૭ની વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારા સીમાંકન (Delimitation) પછી જ અમલમાં આવી શકે તેમ હતું, જેનો અર્થ એ કે તે ૨૦૩૪ પહેલા શક્ય નહોતું.
પરંતુ વડાપ્રધાન મોદીએ આ વિલંબને ‘અન્યાય’ ગણાવીને ૧૬ એપ્રિલથી સંસદનું ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવ્યું છે. આ સત્રનો મુખ્ય હેતુ કાયદામાં જરૂરી સુધારા કરવાનો છે જેથી ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓથી જ મહિલાઓને તેમનો હક મળી શકે. વડાપ્રધાને પત્રમાં લખ્યું છે કે, “આ સુધારાઓમાં વિલંબ એ ભારતની મહિલાઓ પ્રત્યે ઘોર અન્યાય ગણાશે.”
લોકસભાનું નવું સ્વરૂપ: ૨૭૩ મહિલા સાંસદોનો પથ પ્રશસ્ત
જો સંસદના આ વિશેષ સત્રમાં સુધારા પસાર થઈ જશે, તો લોકસભાના માળખામાં પણ મોટો ફેરફાર જોવા મળશે. નવા સુધારા મુજબ લોકસભાની બેઠકોની સંખ્યા વધીને ૮૧૬ થશે. આ ૮૧૬ બેઠકોમાંથી ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ એક ક્રાંતિકારી પગલું હશે, કારણ કે તેનાથી કાયદા ઘડવાની પ્રક્રિયામાં મહિલાઓનો અવાજ સીધો અને મજબૂત રીતે ગુંજશે.
વડાપ્રધાને તેમના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર લખ્યું છે કે, “જ્યારે વિધાનસભાઓમાં મહિલાઓનો અવાજ મજબૂત બને છે, ત્યારે લોકશાહીનો અવાજ આપોઆપ બુલંદ બાય છે.”
નારી શક્તિના આશીર્વાદની અપીલ
વડાપ્રધાન મોદીએ આ પત્ર દ્વારા માત્ર જાહેરાત જ નથી કરી, પરંતુ દેશની મહિલાઓ પાસેથી સમર્થન પણ માંગ્યું છે. તેમણે લખ્યું છે કે, “આ ઐતિહાસિક બંધારણીય સુધારાને પસાર કરવા માટે હું ભારતની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ માંગુ છું.”
તેમણે મહિલાઓને એક વિશેષ અનુરોધ પણ કર્યો છે કે તેઓ પોતપોતાના વિસ્તારના સાંસદોને પત્ર લખે અને આ ઐતિહાસિક સત્રમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરે. આ પગલાથી જનપ્રતિનિધિઓ પર નૈતિક દબાણ આવશે અને પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને મહિલાઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, હવે વિધાનસભામાં પણ વારો
વડાપ્રધાને પત્રમાં નોંધ્યું છે કે આજે ભારતની દીકરીઓ અવકાશ વિજ્ઞાનથી લઈને રમતગમત અને રક્ષણથી લઈને ઉદ્યોગ સાહસિકતા સુધીના દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. જ્યારે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે, ત્યારે દેશની નીતિ ઘડતરમાં પણ તેમની ભાગીદારી વધે તે ખૂબ જ જરૂરી છે. વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા વધવાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પરવધુ સંવેદનશીલતાથી કામ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

