આઇપીએલ ૨૦૨૬ નો નવો ‘વન્ડર બોય’: ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની લોર્ડ્સ ટેસ્ટ સુધી ગૂંજી ગર્જના
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હંમેશા વૈશ્વિક ક્રિકેટ જગતને અવનવા હીરા આપવા માટે જાણીતી છે. પરંતુ ૨૦૨૬ ની આઇપીએલ સીઝને દુનિયાને એક એવો ચમત્કારિક ખેલાડી આપ્યો છે, જેની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સાત સમુંદર પાર ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન સુધી પહોંચી ગઈ છે. આ યુવા સનસનાટીનું નામ છે વૈભવ સૂર્યવંશી. માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે આ ડાબોડી બેટ્સમેને આઇપીએલની ૧૯મી આવૃત્તિમાં જે ધમાકો કર્યો છે, તેનાથી દિગ્ગજો પણ આફરીન પોકારી ગયા છે.
પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અત્યારે ક્રિકેટ જગતમાં જ્યાં જુઓ ત્યાં બસ વૈભવ સૂર્યવંશીની જ વાહવાહ થઈ રહી છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન પણ આ ભારતીય કિશોરની રમત કેન્દ્રસ્થાને રહી હતી, જે દર્શાવે છે કે વૈભવનું પ્રદર્શન કેટલું પ્રભાવશાળી રહ્યું છે.
લોર્ડ્સ ટેસ્ટમાં વરસાદનો વિરામ અને વૈભવની ચર્ચા
ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થઈ હતી. મેચ દરમિયાન જ્યારે વરસાદ પડ્યો અને રમત અટકાવવી પડી, ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં હાજર વિશ્વ વિખ્યાત વિવેચકો- સિમોન ડૌલ, ઇયાન વોર્ડ અને નાસીર હુસૈનની પેનલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને છોડીને આ ભારતીય યુવા ખેલાડીના પરાક્રમો વિશે વાત કરવા લાગી હતી.
બ્રોડકાસ્ટ દરમિયાન આ ત્રણેય દિગ્ગજો વૈભવની રમતથી અત્યંત પ્રભાવિત દેખાતા હતા. ભૂતપૂર્વ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર સિમોન ડૌલે કહ્યું કે, વૈભવને મેદાન પર રમતો જોવો એ એક અદ્ભુત લહાવો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા ઉમેર્યું કે, “આ ૧૫ વર્ષના બાળકે જે રીતે આખી ટૂર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું તે અસાધારણ છે. ટૂર્નામેન્ટના અંતે તેને કેટલા એવોર્ડ્સ મળ્યા તેની ગણતરી કરવી મુશ્કેલ છે.”
પેનલમાં ચર્ચા એ વાત પર પણ ચાલી રહી હતી કે શું ભારતીય પસંદગીકારો આ યુવા સિતારાને આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ માટે સીધો જ ટીમ ઇન્ડિયામાં સામેલ કરશે કે નહીં. ઇયાન વોર્ડે પણ સૂરની પુરાવતા કહ્યું કે, પસંદગીકારોએ ભારતીય ટીમમાં ગમે તેમ કરીને વૈભવ માટે જગ્યા બનાવવી જ પડશે, કારણ કે આવી અદભુત પ્રતિભાને તમે લાંબો સમય ટીમથી દૂર રાખી શકો નહીં.
IPL 2026 માં રનનો પહાડ અને એવોર્ડ્સની વણઝાર
રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનિંગ કરતા વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ઘણા ક્રિકેટ પંડિતોનું માનવું હતું કે કદાચ આ નાની ઉંમરનો છોકરો મોટી ટૂર્નામેન્ટના દબાણમાં ભાંગી પડશે અને ‘સેકન્ડ સીઝન સિંડ્રોમ’ (બીજી સીઝનમાં ફ્લોપ થવું) નો ભોગ બનશે. પરંતુ વૈભવે આ તમામ આશંકાઓને ખોટી સાબિત કરી દીધી.
વૈભવે આ સીઝનમાં રમેલી ૧૬ મેચોમાં આક્રમક શૈલીથી બેટિંગ કરીને કુલ ૭૭૬ રન ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શનના કારણે તેણે સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ‘ઓરેન્જ કેપ’ પોતાના નામે કરી હતી. આટલું જ નહીં, આખી ટૂર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવા બદલ તેને ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ (MVP) નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેની આ ઇનિંગ્સમાં એક શાનદાર સદી અને ત્રણ વખત ૯૦થી વધુ રનનો સ્કોર સામેલ હતો.
દબાણની સ્થિતિમાં અડીખમ: પ્લેઓફમાં જાદુઈ ઇનિંગ્સ
વૈભવ સૂર્યવંશીની ખરી કસોટી આઇપીએલના પ્લેઓફ મુકાબલાઓમાં થઈ હતી, જ્યાં મોટા-મોટા અનુભવી ખેલાડીઓ પણ ઘૂંટણ ટેકી દેતા હોય છે. પરંતુ આ ૧૫ વર્ષના બાળકે અદભુત માનસિક મજબૂતી દર્શાવી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં અને ત્યારબાદ ક્વોલિફાયર ૨ માં સતત બે મેચોમાં ૯૦+ રન ફટકારીને પોતાની ટીમને જીતની નજીક પહોંચાડી હતી. દબાણની ક્ષણોમાં આ પ્રકારની પરિપક્વતા ખૂબ જ દુર્લભ જોવા મળે છે.
પોતાની આ સફળતા અને ઓરેન્જ કેપ જીતવા અંગે વાત કરતા વૈભવે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું:
“હું માત્ર મારી કુદરતી રમતને બેક કરવાનો પ્રયાસ કરું છું. જો મને લાગે કે પહેલો જ બોલ મારી હિટિંગ રેન્જમાં છે, તો હું પૂરી તાકાતથી શોટ મારું છું. આ સીઝનમાં મેં શીખ્યું છે કે દબાણની સ્થિતિમાં કેવી રીતે શાંત રહેવું અને પરિસ્થિતિ મુજબ તમારી રમતને કેવી રીતે બદલવી. તમે દરેક મેચ એક જ માનસિકતા સાથે ના રમી શકો. પ્લેઓફ મેચો દરમિયાન મને પરિસ્થિતિને વાંચવાનો અને ટીમની જરૂરિયાત મુજબ રમવાનો ઘણો સારો અનુભવ મળ્યો.”
વિરાટ કોહલી તરફથી મળ્યા વિશેષ આશીર્વાદ
આઇપીએલ ૨૦૨૬ ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં આરસીબીએ પાંચ વિકેટે જીત મેળવી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. મેચ પૂરી થયા બાદ મેદાન પર એક ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું. ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી વિરાટ કોહલી ખાસ વૈભવ સૂર્યવંશી પાસે ગયા હતા અને તેની સાથે લાંબી વાતચીત કરી હતી.
કિંગ કોહલીએ આ યુવા બેટ્સમેનની રમતની પ્રશંસા કરી અને તેને ભવિષ્ય માટે અત્યારથી જ ગુરુમંત્ર આપ્યો. કોહલીએ વૈભવને સલાહ આપી કે તે પોતાની સફળતાથી ભટક્યા વિના રમત પર જ ધ્યાન કેન્દ્રિત રાખે અને પોતાની મહેનત ચાલુ રાખે. ક્રિકેટના આટલા મોટા આઇકોન તરફથી પીઠબળ મળવું એ કોઈપણ યુવા ખેલાડી માટે કોઈ સ્વપ્ન સમાન હોય છે.

