વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સીએનએ ફોર્મ ભરેલુ હોવુ જોઈએ
વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન હરાજી- ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર (બે પૈંડાવાળા વાહનો)માં GJ15EP, ફોર વ્હીલર (ચાર પૈડાવાળા વાહનો) માટે GJ15CS અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ (આઠ પૈડાવાળા માલવાહક વાહનો) માટે GJ15AX, થ્રી વ્હીલર (ત્રણ પૈડાવાળા વાહનો) માટે GJ15AY અને નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ (અન્ય વાહનો) માટે GJ15 SV સિરિઝના 0001 થી 9999 નંબર માટે ફેર હરાજી શરૂ કરવામાં આવી છે.
આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http/privahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજી/ ફેર હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે. (૧) તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ દિવસે ૦૪-૦૦ વાગ્યાથી તા.૧૯-૦૨-૨૦૨૬ના દિવસે ૦૩-૫૯ વાગ્યા સુધી AUCTION/ RE-AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. (૨) તા.૧૯-૦૨-૨૦૨૬ના રોજ દિવસે ૦૪-૦૦ કલાકથી તા.૨૧-૦૨-૨૦૨૬ના રોજ દિવસે ૦૪-૦૦ કલાક સુધી AUCTION/ RE-AUCTION માટેનું બિડિંગ ખૂલશે. (૩) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. (૪) હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમિયાન અરજદારે RBI દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાના રહેશે.
વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે એવુ ઈન્ચાર્જ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.