₹૫ લાખની મર્યાદાની આડમાં ખુલ્લેઆમ ‘સેટલમેન્ટ’: ટેકનિકલ જ્ઞાન વગરની પંચાયતોને મોહરા બનાવી કાગળ પર જ બિલ સ્વાહા!
વલસાડ: વલસાડ જિલ્લાની ટ્રાયબલ સબ પ્લાન (TSP) કચેરી અને તાલુકા પંચાયતના તંત્રમાં તાપી જિલ્લાના સોનગઢ TSP કૌભાંડ જેવો જ ભયાનક ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હોવાના વિસ્ફોટક પુરાવા સામે આવ્યા છે. એટીવીટી કાર્યવાહક આયોજન હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં મંજૂર થયેલા ટેકનિકલ લક્ષી કોઝવે અને નાળાના કામો નિયમ મુજબ માર્ગ-મકાન વિભાગ જેવા અનુભવી અને ટેકનિકલ વિભાગોને સોંપવાને બદલે સીધા તાલુકા પંચાયતની આડમાં ગ્રામ પંચાયતોના શીરે પધરાવી દેવામાં આવ્યા છે. ₹ ૫ લાખની મર્યાદાની અંદરના કામો બતાવી, કોઈ પણ પ્રકારની જાહેર ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના માત્ર પોતાના માનીતા મળતિયા કોન્ટ્રાક્ટરોને બારોબાર કામો ફાળવી દેવાની એક સુઆયોજિત અને કુટિલ રમત રમાઈ રહી છે. સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત એ છે કે ગ્રામ પંચાયત પાસે સિવિલ એન્જિનિયર નથી.
સરપંચ, તલાટી કે પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ પાસે ટેકનિકલ જ્ઞાન નથી. કેટલું સિમેન્ટ વાપરવું? રેતીનું પ્રમાણ કેટલું રાખવું? પાણીનો પ્રવાહ કેટલો છે? ભુંગળાની પહોળાઈ કે કોઝવેની ઊંચાઈ અને ઊંડાઈ કેટલી હોવી જોઈએ? તેની કોઈ જ ટેકનિકલ સમજ ગ્રામ પંચાયત પાસે હોતી નથી. નિર્માણ કાર્ય માટે જરૂરી સાધન-સામગ્રી કે મશીનરી પણ પંચાયતો પાસે ઉપલબ્ધ નથી. સરકારી નિયમોમાં આઉટસોર્સિંગ દ્વારા ટેકનિકલ એન્જિનિયરની નિમણૂક કરવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં, એક પણ ગ્રામ પંચાયતમાં આવી કોઈ પારદર્શક નિમણૂક કરવામાં આવતી નથી.પરિણામે, માત્ર પોતાના આકાઓ અને વચેટિયાઓને આર્થિક લાભ કરાવવા માટે ₹ ૫ લાખની અંદરના એસ્ટીમેટ અને ડિઝાઇન કાગળ પર તૈયાર કરી દેવાય છે.

ટેકનિકલ ખામીઓને કારણે પાણીના ઓવરટોપિંગ વખતે ભરાવો થતાં જ નિર્માણ પામેલા કોઝવે ક્ષણવારમાં ધોવાઈ જાય છે. વલસાડ જિલ્લા TSPનાં અધિકારીઓ અને TDOની ઘોર બેદરકારીના કારણે જ ધરમપુરના સીંગારમાળમાં આજે આ સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે પંચાયતો પાસે સાધન-સામગ્રી કે એન્જિનિયરિંગનું જ્ઞાન જ નથી, તો પછી આવા જટિલ સિવિલ કામો બારોબાર ગ્રામ પંચાયતોને સોંપીને સરકારી નાણાંનો ખુલ્લેઆમ ધુમાડો કેમ કરવામાં આવી રહ્યો છે? આ સમગ્ર કૌભાંડમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે જે કામ માટે જેટલી રકમ સરકારી દફતરે મંજૂર થાય છે, ચુકવણું પણ એક પણ રૂપિયો ઓછો કે વધારે નહીં, પરંતુ બિલકુલ તેટલી જ રકમનું બનાવીને ત્વરિત પાસ કરી દેવાય છે! શું કોઈ પણ ટેકનિકલ બાંધકામમાં ખર્ચમાં એક પણ રૂપિયાની વધ-ઘટ ન થાય? શું મંજૂર થયેલી પૂરેપૂરી રકમ ક્ષણવારમાં વાપરીને કાગળ પર કામ ‘સંપૂર્ણ પૂર્ણ’ બતાવી દેવું શક્ય છે? આ બાબત જ સ્પષ્ટ કરે છે કે કાગળ પર થતું સેટલમેન્ટ પૂર્વ-આયોજિત હોય છે અને માત્ર ચોપડા સરખા કરીને પ્રજાના ટેક્સના નાણાં વચેટિયાઓ વચ્ચે વહેંચી લેવાય છે.
ધરમપુર તાલુકાના સીંગારમાળ ગામે મોગરા ફળિયા તરફ જતા રસ્તા પર નિર્માણ પામેલા નાળાનું કામ આ ભ્રષ્ટાચારનું પ્રત્યક્ષ અને વરવું ઉદાહરણ છે. સરકારી પોર્ટલ અને વર્ક આઈડી અનુસાર, મે ૨૦૨૫માં TASP યોજના હેઠળ ₹ ૪.૫૦ લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી. કાગળ પર ૧૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ કામ ‘પૂર્ણ’ દર્શાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પૂરેપૂરી રકમનું ચુકવણું કરી લેવાયું. પરંતુ દુઃખદ બાબત એ છે કે પ્રથમ ચોમાસાના સામાન્ય વરસાદમાં જ આ આખુંય નાળું તૂટીને પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયું. સ્થળ તપાસમાં સામે આવેલા દ્રશ્યો બતાવે છે કે નાળાની સુરક્ષા માટે નિયમ મુજબ કોંક્રીટની પ્રોટેક્શન વોલ બનાવવી અનિવાર્ય હતી. પરંતુ ખર્ચ બચાવીને પોતાના ખિસ્સા ભરવા માટે અધિકારીઓ અને એજન્સીએ કોંક્રીટના બદલે માત્ર નકરા પથ્થરો જ પધરાવી દીધા હતા. બે કોંક્રીટના પાઈપો (ભોંગળા)ને જોડવા માટે જરૂરી રીંગ પણ બેસાડવામાં આવી નહોતી. સિમેન્ટ અને રેતીના ગુણોત્તરનું પાલન કર્યા વિના માત્ર માટી અને કાંકરી વાપરીને ચોપડે કામ પૂરું બતાવી બિલ સ્વાહા કરી લેવાયા. ગ્રામ પંચાયતોને મોહરા બનાવી, ટેન્ડર વગર બારોબાર કામો પધરાવીને પ્રજાના નાણાં સ્વાહા કરી જવાની આ નીતિ સામે સમગ્ર ધરમપુર અને વલસાડ જિલ્લામાં ભારે જનરોષ ફાટી નીકળ્યો છે. હવે વલસાડ જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના ઉચ્ચ વિભાગો આ મસમોટા કૌભાંડમાં સામેલ TASP અધિકારીઓ, તાલુકા પંચાયતના જવાબદારો અને કોન્ટ્રાક્ટર સામે ક્યારે કડક કાનૂની કાર્યવાહી કરે છે, તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.
MB બુક અને મટીરીયલ ટેસ્ટિંગ પર ઉઠતા ગંભીર સવાલો
કોઈપણ સરકારી નિર્માણ કાર્યમાં જૂનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરનું સ્થળ સુપરવિઝન અનિવાર્ય હોય છે. શું અધિકારીઓએ કચેરીમાં બેસીને જ મેઝરમેન્ટ બુક સાઈન કરી દીધી? જો સ્થળ તપાસ કરી હોત તો આટલું નબળું કામ મંજૂર કેમ થયું? આ કામની MB બુકની ઝીણવટભરી તપાસ થાય અને સ્થળ પરથી સામગ્રીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મટીરીયલ ટેસ્ટિંગ કરવામાં આવે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનું આખું કૌભાંડ છતું થઈ જશે.
દોરડાના સહારે જીવનું જોખમ અને ઉચ્ચ સ્તરીય કાર્યવાહીની માગ
નાળું તણાઈ જતાં મોગરા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો બે ભાગમાં વેચાઈ ગયો હોય આ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા માટે સ્થાનિક આદિવાસીઓ બંને કાંઠે દોરડું બાંધીને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. ગર્ભવતી મહિલાઓ, બીમાર વ્યક્તિઓ અને શાળાએ જતા નાના બાળકો માટે આ રસ્તો અત્યારે અત્યંત જીવલેણ બન્યો છે. જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે પણ લોકોને ભારે આકરી હાડમારી વેઠવી પડી રહી છે.