વલસાડની પીએમ શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં વીર બાળ દિવસ ઉજવાયો

2 Min Read

ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વીર બાળ દિવસ વિષયક વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકામ સ્પર્ધા યોજાઈ

વલસાડના તિથલ રોડ પર સ્થિત પીએમ શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે તા.૨૩/૧૨/૨૦૨૫ના રોજ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સાહસ અને બલિદાનની ગાથા યાદ કરાવતો “ વીર બાળ દિવસ ” ભાવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
વીર બાળ દિવસ કાર્યક્રમમાં શિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓને સાહિબઝાદા અજિતસિંહ, જુઝારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહના શૌર્ય, ધર્મનિષ્ઠા અને બલિદાન વિશે સરળ અને પ્રેરણાદાયી માહિતી આપી હતી. સાહિબઝાદાઓએ પોતાના ધર્મ અને સત્યની રક્ષા માટે, અન્યાય અને અત્યાચાર સામે અડગ રહીને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું હતું. મોગલ શાસક દ્વારા ધર્મ પરિવર્તન માટે કરવામાં આવેલા દબાણને તેમણે સ્વીકાર્યું નહીં. નાની ઉંમર હોવા છતાં તેમણે સત્ય અને ન્યાયનો માર્ગ પસંદ કર્યો હતો. સાહિબઝાદા અજિતસિંહ અને જુઝારસિંહએ યુદ્ધભૂમિમાં શૌર્ય દર્શાવી વીરગતિ પ્રાપ્ત કરી હતી, જ્યારે સાહિબઝાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને જીવતા દિવાલમાં ચણાવી દેવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ પોતાના ધર્મ અને આત્મ સન્માનથી કદી વિચલિત થયા ન હતા. તેમનું બલિદાન આપણને સત્ય, સાહસ, ધર્મનિષ્ઠા અને દેશપ્રેમના મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે વીર બાળ દિવસ વિષયક વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

school11.jpg
શાળાના આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલવા, શિસ્ત જાળવવા અને દેશપ્રેમની ભાવના વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વીર બાળ દિવસ આપણને નાની ઉંમરમાં પણ મોટા આદર્શો અપનાવવાની પ્રેરણા આપે છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયી રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

- Advertisement -
Share This Article