૩૫ વર્ષથી શિક્ષણ સેવા આપતા વ્યારાના પ્રોફેસરે કોરોના સમયના વિચારને આપ્યો સાકાર સ્વરૂપ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના ૫૮મા પદવીદાન સમારોહમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. વ્યારાની કોલેજમાં છેલ્લા ૩૫ વર્ષથી ગુજરાતીના પ્રોફેસર અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ૬૦ વર્ષીય વસંતભાઈ ગામીતે પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેમણે સાબિત કરી દીધું છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને એક સચોટ શિક્ષક હંમેશા અંદરથી એક વિદ્યાર્થી જ હોય છે.
કોરોના કાળના વિચારમાંથી જન્મી ગામીત સંસ્કૃતિના દસ્તાવેજીકરણની સફર
વસંતભાઈને પી.એચ.ડી. કરવાનો વિચાર કોરોના મહામારીના સમયમાં આવ્યો હતો. તેમણે ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. વસંતભાઈનું માનવું છે કે પોતાની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાઓને લખાણ સ્વરૂપે સાચવવી એ માત્ર આવનારી પેઢી માટે જ નહીં, પણ સમગ્ર સમાજ માટે એક અનમોલ ભેટ સમાન છે. તેમની આ સિદ્ધિ બદલ શિક્ષણ જગતમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે.
