Video: નાની બાળકીના શબ્દોએ સૌની વિચારધારા બદલી નાખી
સોશિયલ મીડિયા પર આજકાલ એક સ્કૂલની બાળકીનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. નાનકડી રિચા ખુશીએ પોતાના ભાષણમાં કંઈક એવું કહ્યું કે સાંભળનારાઓની આંખમાં આંસુ આવી ગયા અને મન હચમચી ગયું. નેટિઝન્સનું કહેવું છે કે આ બાળકીએ ગણતરીની મિનિટોમાં જીવનનો એક મોટો પાઠ સમજાવી દીધો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂલ યુનિફોર્મ પહેરેલા ઘણા બાળકો હરોળમાં બેઠા છે. ત્યારે જ વચ્ચેથી રિચા ખુશી ઊભી થાય છે અને ‘ઈશ્વર અને મૂર્તિકાર’ ના સંવાદ વાળી વાર્તા સંભળાવે છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
રિચા ખુશીનું ભાષણ: સમાજની કડવી સચ્ચાઈ
રિચા કહે છે કે મૂર્તિકાર ઈશ્વરને ફરિયાદ કરતા જણાવે છે:
“હે ઈશ્વર, તું પણ કલાકાર છે અને હું પણ. તેં અસંખ્ય પુતળા બનાવીને ધરતી પર મોકલ્યા, મેં પણ પુતળા બનાવ્યા અને વેચી દીધા. પરંતુ શરમ ત્યારે આવે છે, જ્યારે તારા બનાવેલા પુતળા (માણસો) અંદરોઅંદર લડે છે અને મારા બનાવેલા પુતળા (મૂર્તિ) સામે માથું નમાવે છે.”
ત્યારબાદ રિચાએ માસૂમિયત સાથે સમાજની કડવી વાસ્તવિકતા પર સવાલ ઉઠાવ્યો. તેણે કહ્યું કે આપણે મંદિરોમાં પથ્થરની મૂર્તિઓ સામે હાથ જોડીએ છીએ, પરંતુ પોતાના માતા-પિતા અને પરિવારના જીવતા જાગતા દેવતાઓનું સન્માન નથી કરતા. ભલે આ પંક્તિઓ રિચાની પોતાની રચના ન હોય, પરંતુ જે આત્મવિશ્વાસ અને સરળતા સાથે તેણે રજૂ કરી, તેણે સૌના દિલ જીતી લીધા.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ધૂમ
આ વીડિયો 30 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો અને જોતજોતામાં વાયરલ થઈ ગયો. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આ વીડિયોને 1.8 કરોડથી વધુ વ્યૂઝ અને 16 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે, “જે વાત મોટા મોટા વિદ્વાનો ન સમજાવી શક્યા, તે આ બાળકીએ માત્ર થોડી સેકન્ડોમાં સમજાવી દીધી.”
નાની ઉંમરે મોટી શિખામણ
રિચા ખુશીનું આ ભાષણ યાદ અપાવે છે કે શબ્દોની શક્તિ ઉંમર કે કદથી નથી આવતી, પરંતુ આત્મવિશ્વાસ અને સચ્ચાઈથી આવે છે. આ વીડિયોએ સાબિત કરી દીધું કે સમાજ અને પરિવાર પ્રત્યેનો સાચો દૃષ્ટિકોણ જો બાળકોના નજરિયાથી રજૂ કરવામાં આવે, તો તે ખૂબ મોટો સંદેશ આપી શકે છે.