‘ફરી એકવાર ચેમ્પિયન’ RCBની જીત પર વિરાટ કોહલીનો ભાવુક પોસ્ટ વાયરલ, સ્મૃતિ માંધાના માટે લખી ખાસ વાત
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ એકવાર ફરી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સ્મૃતિ માંધાનાની કપ્તાની હેઠળ RCBએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવીને WPL ટ્રોફી પર બીજી વખત કબજો જમાવ્યો. આ ઐતિહાસિક જીત બાદ ક્રિકેટ જગતમાં અભિનંદનોની વરસાદ થઈ રહી છે. પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો ઉપરાંત લાખો ચાહકોએ સોશિયલ મીડિયા પર RCBને શુભેચ્છાઓ પાઠવી છે.
આ દરમિયાન RCBના સૌથી મોટા ચહેરા અને ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીએ પણ મહિલા ટીમની આ શાનદાર સફળતા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીનો પોસ્ટ ‘અમે ફરી એકવાર ચેમ્પિયન બન્યા’
RCB મહિલા ટીમના ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ટીમના સેલિબ્રેશનની તસવીર શેર કરી. પોસ્ટ સાથે તેમણે દિલને સ્પર્શી જાય તેવા શબ્દોમાં લખ્યું કે,
“અમે ફરી એકવાર ચેમ્પિયન બન્યા છીએ. ટીમના તમામ ખેલાડીઓએ RCBનો ઝંડો ગર્વથી લહેરાવ્યો છે. આ એવી સિદ્ધિ છે, જેના પર તમે સૌ ગર્વ કરી શકો.”
વિરાટ કોહલીએ ખાસ કરીને ટીમની કેપ્ટન સ્મૃતિ માંધાના, સમગ્ર ટીમ અને ટીમ મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું કે આ જીત સંપૂર્ણપણે લાયક છે અને તમામ ખેલાડીઓએ આ ખાસ પળનો આનંદ માણવો જોઈએ. સાથે જ તેમણે RCBના વફાદાર ચાહકોના પ્રેમ અને સપોર્ટની પણ પ્રશંસા કરી.
RCB – IPL અને WPL બંનેમાં ચેમ્પિયન બનનાર પ્રથમ ફ્રેન્ચાઇઝ
RCB માટે આ જીત અનેક રીતે ખાસ છે. આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ એક જ ફ્રેન્ચાઇઝે IPL અને WPL બંનેના ખિતાબ જીત્યા હોય. RCBની પુરુષ ટીમ હાલ IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે મહિલા ટીમે 2026માં WPL ટ્રોફી જીતી છે.
આ સાથે RCBએ સતત ત્રણ વર્ષમાં ત્રણ મોટી ટ્રોફી જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
- WPL 2024 – ચેમ્પિયન
- IPL 2025 – ચેમ્પિયન
- WPL 2026 – ચેમ્પિયન
આ સિદ્ધિએ RCBને ભારતીય ક્રિકેટની સૌથી સફળ ફ્રેન્ચાઇઝમાં સામેલ કરી દીધી છે.
વિરાટ કોહલી અને RCB 17 વર્ષનો સફરનામું
વિરાટ કોહલી RCB ફ્રેન્ચાઇઝનો શરૂઆતથી જ અવિભાજ્ય ભાગ રહ્યો છે. IPLની શરૂઆતથી જ તેણે આ ટીમ માટે રમ્યો છે અને 17 વર્ષના લાંબા ઇંતેજાર બાદ 2025માં પ્રથમ વખત IPL ટ્રોફી જીતવાનો આનંદ માણ્યો હતો. વિરાટ માત્ર એક ખેલાડી નથી, પરંતુ RCBની ઓળખ અને ભાવના બની ગયો છે.
મહિલા ટીમની જીત પર કોહલીની ભાવુક પ્રતિક્રિયા એ બતાવે છે કે RCB તેના માટે માત્ર ટીમ નહીં, પરંતુ એક પરિવાર છે.
View this post on Instagram
IPL 2026માં શાનદાર પ્રદર્શન કરવા આતુર વિરાટ
વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે માત્ર ODI અને IPL ફોર્મેટમાં જ રમતો જોવા મળે છે. હાલમાં વિરાટ શાનદાર ફોર્મમાં છે અને IPL 2026માં પણ આ ફોર્મ જાળવી રાખવા ઈચ્છે છે.
આગામી IPL સીઝનમાં RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે અને વિરાટ કોહલી ટીમના મુખ્ય આધારસ્તંભ રહેશે. ચાહકોને આશા છે કે વિરાટ ફરી એકવાર પોતાની બેટિંગથી RCBને નવી ઊંચાઈએ લઈ જશે.
