ખામેનીના શાસન સામે ઈરાનના પૂર્વ શાહની પૌત્રી મેદાને: કોણ છે આ 26 વર્ષીય નૂર પહલવી?
ઈરાનના વર્તમાન શાસન અને સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામૈની સામે હવે પૂર્વ શાહી પરિવારે મોરચો માંડ્યો છે. ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીની પુત્રી નૂર પહલવીએ પોતાની માતૃભૂમિમાં ચાલી રહેલા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. નૂર પહલવીએ ઈરાની સરકાર પર માસૂમ બાળકો અને નાગરિકો પર જુલ્મ કરવાનો આરોપ લગાવીને સત્તા પરિવર્તનની હાકલ કરી છે.
લોહીમાં વસેલું ઈરાન અને દર્દભરી દાસ્તાન
નૂર પહલવીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઈરાનમાં પોતાના લોકોને તકલીફમાં જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠે છે. રસપ્રદ વાત એ છે કે નૂર પહલવીએ ક્યારેય ઈરાનની ધરતી પર પગ પણ મૂક્યો નથી, તેમ છતાં તેઓ કહે છે કે ઈરાન હંમેશા તેમના લોહીમાં વસેલું છે. તેમણે આરોપ લગાવ્યો કે 47 વર્ષ પહેલા તેમના દાદા (ઈરાનના છેલ્લા શાહ) ને સત્તા પરથી હટાવનાર આ ક્રૂર સરકારે પ્રદર્શનકારીઓ અને વાલીઓ તો ઠીક, નાનાં બાળકોને પણ છોડ્યા નથી.
માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો
નૂર પહલવીએ ઈરાની સરકારની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ત્યાં રસ્તાઓ પર બાળકોને ગોળી મારવામાં આવે છે. વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરતા ડોક્ટરોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. એટલું જ નહીં, અનેક ઈરાની નાગરિકોને પૂછપરછના નામે ગાયબ કરી દેવામાં આવે છે, જેઓ ક્યારેય પાછા નથી ફરતા. નૂરના મતે, આ એક એવી સરકાર છે જે પોતાના જ નાગરિકો સામે યુદ્ધ લડી રહી છે.
વૈશ્વિક સમર્થન અને બદલાતા સમીકરણો
હાલમાં જ્યારે વિશ્વભરમાં ખામૈની શાસન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે નૂર પહલવીએ ફરી એકવાર ઈરાનમાં લોકશાહી અને સત્તા પરિવર્તનનું સપનું દોહરાવ્યું છે. અમેરિકાના લોસ એન્જલસમાં તેમના ઘરની બહાર ઈરાન સરકાર વિરોધી એક મોટી રેલી પણ યોજાઈ હતી. આ વિરોધ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યા છે જ્યારે અમેરિકાએ પણ ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે અને મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી હાજરી વધારી દીધી છે.
કોણ છે નૂર પહલવી?
નૂર પહલવી અમેરિકામાં રહેતા ઈરાની મૂળના એક જાણીતા વ્યક્તિત્વ છે. તેઓ ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહલવીની પૌત્રી અને રઝા પહલવીની સૌથી મોટી પુત્રી છે. 1979ની ઈરાની ક્રાંતિમાં તેમના પરિવારને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. નૂરનો જન્મ 3 એપ્રિલ, 1992ના રોજ વોશિંગ્ટન ડી.સી.માં થયો હતો. તે મોડલિંગ અને સોશિયલ વર્ક સાથે જોડાયેલી છે અને સોશિયલ મીડિયા પર ઈરાની મહિલાઓના અધિકારો માટે સતત અવાજ ઉઠાવતી રહે છે.

