‘હું આરએસએસનું પણ રક્ષણ કરીશ કારણ કે…’: કોંગ્રેસના મંચ પરથી રાહુલ ગાંધીએ કેમ આપી આવી પ્રતિક્રિયા?
ભારતીય રાજકારણમાં પોતાના વિરોધીઓ પર સતત આકરા પ્રહારો કરવા માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં એક એવું વિધાન કર્યું છે, જેણે દેશના રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જગાવી છે. દિલ્હીમાં યોજાયેલા ‘રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન’ ને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર તો આકરા પ્રહારો કર્યા જ, પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને લઈને પણ એક અત્યંત મહત્વપૂર્ણ વાત કહી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જે દિવસે દેશમાં આરએસએસની અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવાની વાત આવશે, તે દિવસે હું તેમની પણ રક્ષા માટે ઊભો રહીશ.”
અભિવ્યક્તિની આઝાદી અને વિરોધીઓના સન્માન પર રાહુલનો દ્રષ્ટિકોણ
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ બંધારણીય અધિકારો અને વિચારોની રજૂઆત પર ભાર મૂકતા કહ્યું કે, આપણે ક્યારેય કોઈના વિચારો કે અભિવ્યક્તિને દબાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું, “અમારું સ્પષ્ટ માનવું છે કે જેના મનમાં જે હોય તેણે ખુલ્લીને બોલવું જોઈએ. દેશમાં કોઈ પણ વ્યક્તિ બીજા કોઈનો અવાજ દબાવી શકે નહીં. પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય, સિખ હોય કે જૈન હોય – દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો પૂરો હક છે.”
આ જ વિચારધારાને આગળ વધારતાં તેમણે કહ્યું કે, આરએસએસ ભલે કોંગ્રેસની આઈડિયોલોજીકલ વિરોધી હોય, પરંતુ જો ક્યારેય તેમના બોલવાના કે વિચારો રજૂ કરવાના અધિકાર પર હુમલો થશે, તો તેઓ આરએસએસના પક્ષમાં પણ ઊભા રહેશે. કારણ કે લોકશાહીમાં ‘અભિવ્યક્તિનો અધિકાર’ (Right to Expression) દરેકનો છે. જ્યારે દેશના દરેક નાગરિક અને સંગઠનની વાત બહાર આવશે, ત્યારે જ ભારતની સાચી તાકાત સમગ્ર વિશ્વ સામે પ્રગટ થશે.

“નોટબંધી અને જીએસટી દ્વારા આરએસએસના સમર્થકોને જ ધોકો આપ્યો”
આરએસએસ પર વધુ ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ એક નવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે એક સમયે આરએસએસ દેશના નાના-નાના વેપારીઓ અને સ્થાનિક સાહસિકોની તાકાત ગણાતું હતું. પરંતુ વર્તમાન ભાજપ સરકારે જ નોટબંધી અને જટિલ જીએસટી (GST) લાગુ કરીને તે નાના વેપારીઓની કમર ભાંગી નાખી અને તેમને ધોકો આપ્યો.
તેમણે આરોપ લગાવ્યો કે આરએસએસની અંદર ‘કોર્પોરેટ કલ્ચર’ અથવા કોર્પોરેટ ઈન્જેક્શનની શરૂઆત અગાઉ પ્રમોદ મહાજન દ્વારા કરવામાં આવી હતી અને તેને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. રાહુલ ગાંધીના મતે, આ નીતિઓને કારણે નાના વેપારીઓ બરબાદ થઈ ગયા અને દેશની સંપત્તિ માત્ર અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓના હાથમાં સીમિત થઈ ગઈ.
ભારત-ચીન સરહદ વિવાદ અંગે કેન્દ્ર સરકાર પર સવાલો
આ રાજકીય મુદ્દાઓ ઉપરાંત રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા અને ભારત-ચીન સરહદ વિવાદ પર પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ચીને ભારતીય સેનાને પોતાની જ જમીન પર પેટ્રોલિંગ (ગશ્ત) કરતા રોકી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ ગંભીર સમાચારને દેશની જનતાથી છુપાવવાનો અને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે યાદ અપાવ્યું કે ગલવાન ઘાટીની ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઈનો કબ્જો નથી, જ્યારે બીજી તરફ સેનાના અહેવાલો અને કમાન્ડરોએ જમીન પર ચીનની ઘૂસણખોરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે જ્યારે ભારતીય સેના ચીન સાથે વાટાઘાટો કરવા ગઈ, ત્યારે ચીની પક્ષે ભારત સરકારના જ નિવેદનોનો ઉપયોગ સેના સામે કર્યો. તેમણે કહ્યું કે સરકારનું આ વલણ દેશ માટે ભારે નુકસાનકારક સાબિત થયું છે.
“સરકાર પ્રજાનો અવાજ નથી સાંભળવા માંગતી”
પોતાના ભાષણના અંતિમ ચરણમાં રાહુલ ગાંધીએ સરકારની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર દેશના નાગરિકો, યુવાનો કે વિપક્ષની વાત સાંભળવા બિલકુલ તૈયાર નથી. તેમણે હાસ્યસ્પદ અંદાજમાં કહ્યું કે, “પરંતુ અમે આ સરકારને પરેશાન કરીને છોડીશું.”
તેમણે પુનરોચ્ચાર કર્યો કે આજકાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે શાંતિથી ઊંઘી શકતા નથી. તેની પાછળ કેટલાક જાહેર તો કેટલાક છૂપા કારણો છે. તે જ સમયે, ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જેમને ભાજપના લોકો ‘ચાણક્ય’ કે ‘સરદાર પટેલ’ કહેતા હતા, તેઓ સંસદના મહત્વપૂર્ણ દિવસો દરમિયાન લગભગ ૨૦ દિવસ સુધી ગાયબ રહ્યા અને સંસદમાં આવ્યા જ નહીં.