IND vs PAK: શું ભારત સામે નહીં રમે પાકિસ્તાન? વર્લ્ડ કપના મહામુકાબલા પહેલા PMનું મોટું નિવેદન

3 Min Read

IND vs PAK: ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે કે નહીં પાકિસ્તાન? પીએમ શહબાઝ શરીફના નિવેદનથી ઊભી થઈ નવી ચર્ચા

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાવાનો હાઈ-વોલ્ટેજ મેચ હવે અનિશ્ચિતતા વચ્ચે ફસાયો છે. પાકિસ્તાની સરકારના આ નિર્ણય બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની ગઈ છે.

ભારત–શ્રીલંકા સહ-યજમાન, પાકિસ્તાનના મેચ શ્રીલંકામાં

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે, જેનું સહ-યજમાન ભારત અને શ્રીલંકા છે. સુરક્ષા કારણોસર પાકિસ્તાન પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમવાનું છે અને તે માટે પાકિસ્તાની ટીમ પહેલેથી જ ત્યાં પહોંચી ચૂકી છે. જોકે, ગ્રુપ સ્ટેજમાં ભારત સામે રમાનારા મેચને લઈને પાકિસ્તાની સરકારે પોતાની ટીમને મેચ ન રમવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

pak.jpg

પાકિસ્તાની પીએમનું પ્રથમ જાહેર નિવેદન

આ મુદ્દે પહેલી વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ તેમણે જણાવ્યું કે,
“અમે 15 ફેબ્રુઆરીના ભારત સામેના મેચને લઈને મોટો નિર્ણય લીધો છે. અમારી સ્થિતિ સ્પષ્ટ છે ક્રિકેટ મેદાન પર રાજકારણ માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. ક્રિકેટ તો માત્ર ક્રિકેટ માટે જ હોવી જોઈએ. દુર્ભાગ્યવશ, ભારત છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટને રાજકારણ સાથે જોડતું આવ્યું છે.”

- Advertisement -

તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાની સરકારએ ટીમને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે શ્રીલંકા જવાની મંજૂરી આપી છે, પરંતુ ભારત સામેના મેચ પર સરકારનું વલણ અડગ છે.

PCBની ચૂપ્પી, ICCને હજુ સુધી જાણ નથી

આ સમગ્ર વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. PCBએ આ મુદ્દે ICCને પણ કોઈ લેખિત જાણકારી આપી નથી. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે PCB સરકાર અને ICC વચ્ચે ફસાઈ ગયું છે અને કોઈ પણ ખોટું પગલું તેના માટે ભારે પડી શકે છે.

ICCના નિયમો અને સંભવિત સજા

ICCના નિયમો મુજબ, કોઈપણ ટીમ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પસંદગીપૂર્વક મેચ રમવાનો ઇનકાર કરી શકતી નથી. જો પાકિસ્તાન ભારત સામે મેચ રમવાનો ઇનકાર કરે છે, તો તેને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં, PCB પર પ્રતિબંધ લાગવાની પણ શક્યતા છે, જેનાથી પાકિસ્તાની ખેલાડીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

- Advertisement -

pak11.jpg

ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા

ભારત–પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે. દુનિયાભરના કરોડો ફેન્સ આ મેચ માટે રાહ જોતા હોય છે. જો આ મેચ રદ્દ થાય છે, તો તે માત્ર ICC માટે જ નહીં પરંતુ ક્રિકેટ ચાહકો માટે પણ મોટું નુકસાન સાબિત થશે.

હવે આગળ શું?

હાલ સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે. ICC, PCB અને પાકિસ્તાની સરકાર વચ્ચે આગામી દિવસોમાં ચર્ચા થવાની શક્યતા છે. તમામની નજર હવે એ પર છે કે શું પાકિસ્તાન અંતિમ ક્ષણે પોતાનો નિર્ણય બદલે છે કે પછી ભારત–પાકિસ્તાન મેચ એક વખત ફરી રાજકારણના કારણે ન રમાઈ શકે.

Share This Article