વજન ઘટાડવા માટે આ છે દુનિયાનો સૌથી ‘બોરિંગ’ પણ અસરકારક ઉપાય: જાણો શું છે CPB ડાયટ?
સામાન્ય રીતે લોકો વજન ઉતારવા માટે અવનવા ડાયટ પ્લાન શરૂ તો કરે છે, પરંતુ થોડા જ દિવસોમાં કંટાળીને તેને છોડી દેતા હોય છે. ક્યારેક ડાયટના નિયમો અઘરા હોય છે તો ક્યારેક ખાવામાં સ્વાદ નથી હોતો. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો ડાયટ પ્લાન વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ‘દુનિયાનો સૌથી બોરિંગ ડાયટ’ કહી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ ડાયટ જેટલો કંટાળાજનક છે, તેના પરિણામો એટલા જ ચોંકાવનારા અને ઝડપી છે.
આ ડાયટનું નામ છે CPB ડાયટ. આ પ્લાન એટલો સરળ અને મર્યાદિત છે કે તમારે તેમાં કોઈ જટિલ ગણતરીઓ કરવાની જરૂર પડતી નથી. ચાલો જાણીએ કે આ ડાયટ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે.
શું છે આ CPB ડાયટ?
CPB ડાયટનું પૂરું નામ Chicken (ચિકન), Potato (બટેટા) અને Broccoli (બ્રોકલી) છે. આ ડાયટમાં મુખ્યત્વે આ ત્રણ વસ્તુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેના નિયમો ખૂબ જ સરળ છે:
- પ્રોટીન: ચિકન (શાકાહારી લોકો માટે પનીર અથવા ટોફુ).
- કાર્બોહાઇડ્રેટ: બટેટા.
- શાકભાજી: બ્રોકલી અને ગાજર.
- ફેટ: દરેક ભોજનમાં માત્ર 1 ચમચી ઓલિવ ઓઈલ.
- પીણાં: માત્ર પાણી, બ્લેક કોફી અથવા ચા (ખાંડ વગર).
આ ડાયટ દરમિયાન જંક ફૂડ, મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાની સખત મનાઈ હોય છે.
આ ડાયટ આટલું ઝડપથી કેમ કામ કરે છે?
નિષ્ણાતોના મતે, આ ડાયટમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબર હોય છે. ચિકનમાંથી મળતું પ્રોટીન શરીરને શક્તિ આપે છે, જ્યારે બટેટા અને બ્રોકલી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જ્યારે તમારું પેટ ભરેલું રહે છે, ત્યારે તમે વધારાની કેલરી લેતા નથી અને કુદરતી રીતે જ વજન ઘટવા લાગે છે. આમાં તમારે કેલરી ગણવાની કોઈ ઝંઝટ રહેતી નથી, જે તેને અન્ય ડાયટ કરતા અલગ બનાવે છે.
30 દિવસનો સરળ પ્લાન અને ફાયદા
આ ડાયટ ફોલો કરનારા લોકોનો દાવો છે કે તેનાથી માત્ર વજન જ નથી ઘટતું, પરંતુ વારંવાર ખાવાની ઈચ્છા (Food Cravings) પણ ઓછી થઈ જાય છે. લોકોના મતે આનાથી માનસિક શાંતિ અને એનર્જી લેવલમાં પણ સુધારો જોવા મળે છે. કેટલાક લોકોએ તો એક મહિનામાં 5 થી 10 કિલો વજન ઘટાડ્યું હોવાનો દાવો કર્યો છે.
આ ડાયટને વધુ અસરકારક બનાવવા માટે તેને 30 દિવસના પ્લાનમાં વહેંચી શકાય છે:
- પહેલું અઠવાડિયું: માત્ર બેઝિક CPB ફૂડ (ચિકન, બટેટા, બ્રોકલી).
- બીજું અઠવાડિયું: પાલક અથવા લો-ફેટ મીટ જેવી વસ્તુઓ ઉમેરવી.
- ત્રીજું અઠવાડિયું: ફળો અને ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો.
ખાસ નોંધ
જોકે આ ડાયટ અસરકારક છે, પણ લાંબા સમય સુધી એક જ પ્રકારનું ભોજન ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે. આ સિવાય પાચન સંબંધિત સમસ્યાઓ કે નબળાઈ આવવાની પણ શક્યતા રહે છે. તેથી, કોઈપણ નવો ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

