વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશના વેચાણ અર્થે આત્મા કચેરીએ ખેડૂતો માટે દ્વાર ખોલ્યા

5 Min Read

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વિચારને આત્મા કચેરીએ અમલમાં મુકી ખેડૂતો માટે નવી પહેલ શરૂ કરી

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ પર આધાર રાખતી ખેતી. આ ખેતીમાં બહારથી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા લાવવાની રહેતી નથી. દેશી ગાય આધારિત આ ખેતીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ, ચણાનો લોટ તેમજ ખાટી છાશ સહિતની ઘરગથ્થુ વસ્તુના ઉપયોગથી ખાતર અને જંતુનાશકના વિવિધ અસ્ત્રો બનાવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી શકાય છે, આ ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો ન હોવાથી શાકભાજી તેમજ અનાજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આવી તાજી તાજી અને પૌષ્ટિક શાકભાજી અને અનાજ લોકોને સરળતાથી મળી રહે અને ખેડૂતોને પણ પોતાની મહેનતના રૂપમાં યોગ્ય વળતર મળે તે માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં શરૂ કરેલી એક પહેલ અનેક ખેડૂતોનું જીવન બદલી રહી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પહેલા પોતાની ખેત પેદાશ રસ્તા પર બેસીને અથવા તો શાક માર્કેટમાં જઈને વેચતા હતા પરંતુ તેઓને પ્રાકૃતિક ખેતી પેદાશ તરીકેનો જે ભાવ મળવો જોઈએ તે મળતો ન હતો. જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હેલ્ધી ખેત પેદાશનું વેચાણ અલગ રીતે થાય તે માટે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કલસ્ટર અને તાલુકા કક્ષાએ ખેત પેદાશના વેચાણ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેનો વિચાર અમલમાં મુકયો હતો. જેને આત્મા પ્રોજેક્ટે અમલમાં મુકી પારડી તાલુકાના કોટલાવ ગામમાં આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રની બિલ્ડિંગમાં જ ખેતપેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી.

- Advertisement -

IMG 20260212 WA0004

આ અંગે માહિતી આપતા આત્મા પ્રોજેક્ટના ડાયરેકટરશ્રી ડી.એન.પટેલ જણાવે છે કે, ખેડૂત તાલીમ કેન્દ્રમાં ઉપર ત્રણ કોર્ટ કાર્યરત છે. રોજના ૧૫૦ થી વધુ વકીલો અને ૫૦૦ થી વધુ અરજદારોની અવરજવર રહે છે. જેથી ખેડૂતોની ખેતપેદાશ તુરંત વેચાય જાય છે. દરેક તાલુકામાં આ રીતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અહીં આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા ગોડાઉનની સુવિધા પણ ખેડૂતોને આપવામાં આવી છે.

- Advertisement -

એક દિવસમાં રૂ. ૮૦૦ થી રૂ. ૧૦૦૦ સુધીનું વેચાણ થાય છેઃ ખેડૂત નિતેશ પટેલ

વલસાડ તાલુકાના બીનવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત નિતેશભાઈ પટેલે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, પહેલા હું રસ્તા પર બેસીને પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશો વેચતો હતો પરંતુ એક દિવસ આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી મને કહ્યું કે, તમે ખેડૂત તાલીમ કેન્દ્ર પર સપ્તાહમાં બે દિવસ બુધવાર અને શુક્રવારે પ્રાકૃતિક ખેતપેદાશો વેચી શકો છો, તે માટે મને ટેબલ-ખુરશી અને બેનરની પણ વ્યવસ્થા કરી આપી હતી. છેલ્લા બે વર્ષથી હું અહીં શાકભાજી તેમજ અનાજનું વેચાણ કરી રહ્યો છું. અહીં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોવાથી ફટાફટ શાકભાજી વેચાય જાય છે. એક દિવસમાં રૂ. ૮૦૦ થી રૂ. ૧૦૦૦ સુધીની આવક થાય છે જેના કારણે મારી આર્થિક સ્થિતિમાં પણ બદલાવ આવ્યો છે. રાજ્ય સરકારે આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.

IMG 20260212 WA0006

ગોડાઉનની સુવિધા અપાતા માલ બગડતો નથી, ટ્રાન્સપોર્ટેશનની પણ ઝંઝટ રહેતી નથીઃ ખેડૂત ઊર્મિલા પટેલ

પારડી તાલુકાના તરમાલિયા ગામના મહિલા ખેડૂત ઊર્મિલાબેન વિનોદભાઈ પટેલે જણાવ્યું કે, હું પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂ છું. આત્મા પ્રોજેક્ટ દ્વારા મને અલગ અલગ તાલીમ આપવામાં આવી છે. જેને પગલે મને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાતા રાસાયણિક ખેતી બંધ કરી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. મારા ગામના ખેડૂતોને પણ હું પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સમજાવુ છુ. આવનારી નવી પેઢી માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક ખેતી માટે મહત્વનું ગણાતુ ખાતર અને વિવિધ પ્રકારના અર્ક જેવા કે, જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક હું જાતે જ બનાવુ છુ. અહી અઠવાડીયામાં બે દિવસ પ્રાકૃતિક ખેત પેદાશ વેચવા માટે આવુ છુ. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જીવામૃત અને ઘન જીવામૃતની સાથે વાલ, લાલ કળાના ચોખા અને તુવર સહિતના કઠોળ અને અનાજ પણ વેચાણ અર્થે લાવુ છું. જે માલ બચે છે તે સુરક્ષિત રહી શકે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા અહીં કચેરીમાં જ ગોડાઉનની સુવિધા પણ આપવામાં આવી છે. જેથી અમારો માલ પણ બગડતો નથી અને લાવવા લઈ જવાની ઝંઝટ પણ રહેતી નથી. ખેડૂતોને પગભર કરવા માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી આ સુવિધા બદલ હું આભાર વ્યક્ત કરુ છું.

Share This Article