શું તમે પણ અંધારામાં ફોન વાપરો છો? સાવધાન, આંખોની આ ગંભીર બીમારીનો બની શકો છો શિકાર
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. મોડે સુધી પથારીમાં સૂતા-સૂતા અંધારામાં ફોન વાપરવાની આદત હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ આ આદત તમારી આંખોની રોશની છીનવી શકે છે. તાજેતરના સંશોધનોમાં બહાર આવ્યું છે કે ઓછી રોશનીમાં કામ કરવાથી અથવા ગેજેટ્સનો ઉપયોગ કરવાથી ‘માયોપિયા’ (Myopia) એટલે કે નજીકની દ્રષ્ટિ નબળી પડવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
શું છે આ નવું સંશોધન?
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે વધુ પડતો ‘સ્ક્રીન ટાઇમ’ માયોપિયા માટે જવાબદાર છે, પરંતુ ‘SUNY College of Optometry’ ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ રિસર્ચમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ‘સેલ રિપોર્ટ્સ’ માં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, માયોપિયાનું મુખ્ય કારણ માત્ર સ્ક્રીન નથી, પરંતુ ઓછી રોશની (Low Light) માં કામ કરવું પણ છે. જ્યારે આપણે અંધારામાં કે ઓછા પ્રકાશમાં મોબાઈલ કે પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આંખના રેટિનાને પૂરતો પ્રકાશ મળતો નથી, જેના કારણે આંખો પર અતિશય દબાણ આવે છે.
વિશ્વભરમાં વધી રહ્યો છે માયોપિયાનો કહેર
સંશોધક જોસ મેન્યુઅલના જણાવ્યા મુજબ, માયોપિયા એ વૈશ્વિક સ્તરે ઝડપથી ફેલાતી સમસ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, અમેરિકા અને યુરોપના આશરે 50% યુવાનો માયોપિયાનો શિકાર બની ચૂક્યા છે. જ્યારે પૂર્વ એશિયાના દેશોમાં તો આ આંકડો 90% સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, ખરાબ જીવનશૈલી અને ખોરાકની ખોટી આદતો પણ આ માટે જવાબદાર છે. જો સમયસર આ બીમારી પર ધ્યાન આપવામાં ન આવે, તો તે ગંભીર દ્રષ્ટિહીનતા તરફ દોરી શકે છે.
માયોપિયાના સામાન્ય લક્ષણો
જો તમને નીચે મુજબના લક્ષણો જણાય, તો સમજી લેવું કે તમારી આંખો નબળી પડી રહી છે:
- દૂરની વસ્તુઓ જોવામાં સ્પષ્ટતાનો અભાવ.
- વારંવાર માથામાં દુખાવો થવો.
- આંખોમાં બળતરા કે દુખાવો થવો.
- ક્યારેક વસ્તુઓ ધૂંધળી દેખાવી.
આંખોને સુરક્ષિત રાખવા માટેના જરૂરી ઉપાયો
તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે નિષ્ણાતો કેટલીક ખાસ સલાહ આપે છે:
- 20-20-20 નિયમ: દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ.
- યોગ્ય રોશની: વાંચતી વખતે કે ફોન વાપરતી વખતે રૂમમાં પૂરતો પ્રકાશ રાખો.
- સ્ક્રીનથી અંતર: કામ કરતી વખતે આંખ અને સ્ક્રીન વચ્ચે યોગ્ય અંતર જાળવો.
- વ્યાયામ: આંખોના સ્વાસ્થ્ય માટે રોજ ઓછામાં ઓછી અડધો કલાક કસરત કરો.

