વારલી બોલીથી ગુજરાતી સુધી: ધરમપુરની શાળાઓમાં માતૃભાષા સંરક્ષણની પ્રેરણાદાયી પહેલ
વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુરના છેવાડાના ગામોમાંથી એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં વસેલા પેણધા ગામની આંઘોડી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સ્થાનિક ‘વારલી’ બોલી અને માતૃભાષા ‘ગુજરાતી’ વચ્ચે સેતુ બનીને નવી પેઢીનું ભાવિ ઘડી રહ્યા છે.
વારલીથી ગુજરાતી સુધીની સફર
આ વિસ્તારમાં ઘરે-ઘરે વારલી બોલી પ્રચલિત છે, જે મરાઠી લહેકા ધરાવે છે. શાળામાં પ્રવેશતા બાળકોને સીધું ગુજરાતી ભણાવવું પડકારજનક હોવાથી શિક્ષકોએ એક નવતર અભિગમ અપનાવ્યો છે:
-
શિક્ષકો પોતે વિદ્યાર્થી બન્યા: મુખ્ય શિક્ષક જયેશભાઈ રાઠોડ અને શિક્ષિકા દર્શના પટેલ જણાવે છે કે, બાળકોને ગુજરાતી શીખવતા પહેલા તેઓ પોતે ગામના વડીલો પાસેથી વારલી બોલી શીખ્યા છે.
-
આત્મીયતામાં વધારો: સ્થાનિક બોલીમાં સંવાદ કરવાથી બાળકો અને શિક્ષકો વચ્ચેનો અંતર ઘટ્યો છે અને બાળકો નિઃસંકોચપણે શિક્ષણ મેળવી રહ્યા છે.
-
ક્રમબદ્ધ શિક્ષણ: બાલવાટીકાથી ધોરણ ૨ સુધી બાળકોને તેમની સ્થાનિક બોલીમાં સમજ આપી ધીમે ધીમે તેમને શુદ્ધ ગુજરાતી ભાષા તરફ વાળવામાં આવે છે.
સ્થાનિક બોલી અને ગુજરાતીના રસપ્રદ ઉદાહરણો
શિક્ષકો બાળકો સાથે કેવી રીતે સંવાદ કરે છે તેની એક ઝલક:
| વારલી બોલી | ગુજરાતી ભાષા (અનુવાદ) |
| કાલ દિસ તું નિશાળમાં કસે ના ઈધેલ? | ગઈકાલે તું નિશાળમાં કેમ નહીં આવ્યો હતો? |
| મી કાલ દિસ બાળદી હતા. | ગઈકાલે હું નાના ભાઈ-બહેનને રાખવા ઘરે હતો. |
| તુમી કાલદિસ એળ ચે કાય ખાલા? | તમે કાલે રાત્રે શું જમ્યા? |
| મુરકુટ ચાવત આહાય. | મચ્છર કરડે છે. |
માતૃભાષાના જતન માટેની પ્રતિબદ્ધતા
GCERT અને NCERT દ્વારા તૈયાર કરાયેલા મોડ્યુલ્સમાં પણ સ્થાનિક બોલીને ૨૦% મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે ૮૦% અભ્યાસક્રમ ગુજરાતીમાં છે. શિક્ષકોના આ સંનિષ્ઠ પ્રયાસોને કારણે આજે અંતરિયાળ ગામોના યુવાનો આત્મવિશ્વાસ સાથે ગુજરાતીમાં વાત કરી રહ્યા છે. “જેણે પોતાની ભાષા ભૂલી, તેણે પોતાની ઓળખ ભૂલી” એ સૂત્રને ચરિતાર્થ કરતા આ શિક્ષકો ખરેખર બિરદાવવા લાયક કામગીરી કરી રહ્યા છે.


