ઝેરમુક્ત ખેતપેદાશ અને સ્વસ્થ ધરતી માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ : રાજ્યપાલ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ‘ગ્રામ કલ્યાણ અને સેવા સેતુ’ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન ગણાવી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને હાલોલ ખાતે સ્થપાયેલી દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આ દિશામાં મોટું કદમ છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભો ઘર આંગણે પૂરા પાડવા માટે સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
ધરતી અને સ્વાસ્થ્ય બચાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના વધુ પડતા વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે અને કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ રસોડામાં રસોઈયા વગર જમવાનું ન બને, તેમ જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ જ છોડ માટે પોષણ તૈયાર કરવાનું કામ કરે છે, જેનો રસાયણોએ નાશ કર્યો છે. જંગલોનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું હતું કે કુદરતી રીતે પણ ખેતી શક્ય છે. જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને ખેતી ખર્ચ શૂન્ય થઈ જાય છે.
ગૌમાતાના જતન સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય
પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની અનિવાર્યતા પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જ ખેતીને ટકાઉ બનાવી શકાય છે. તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે તેઓ આખા ખેતરમાં નહીં તો શરૂઆતમાં માત્ર એક એકરથી આ ખેતીનો પ્રયોગ શરૂ કરે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સારંગપુર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિ ટ્રેનિંગ સેન્ટરની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. પશુપાલન અને ખેતીનો સમન્વય જ આવનારી પેઢીને નિરોગી જીવન અને ફળદ્રુપ જમીનનો વારસો આપી શકશે.
જામનગર જિલ્લામાં કૃષિ અને પશુપાલન ઉત્કર્ષની કામગીરી
જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જામનગર જિલ્લાની પ્રગતિની વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ૧૪૦ ક્લસ્ટર અને ૧૫૦ થી વધુ માસ્ટર ટ્રેનર્સ કાર્યરત છે. અત્યાર સુધીમાં ૧,૪૮૮ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. આ ઉપરાંત, કમોસમી વરસાદ સામે ૪૮૪ કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાઈ છે. ટેકાના ભાવે ખરીદી અને ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળાઓને મળતી સહાય દ્વારા પણ જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
સેવા સેતુ દ્વારા જનકલ્યાણકારી યોજનાઓનો લાભ
કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા સેવા સેતુ કેમ્પમાં ગ્રામજનોને આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, રસીકરણ અને પશુપાલનલક્ષી માહિતી જેવી પાયાની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી. રાજ્યપાલશ્રીએ પોતે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રાકૃતિક કૃષિના માર્ગે ચાલીને સમૃદ્ધ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.



