જૂની vs નવી NCERT: 1947ના ભાગલા અંગે પાઠ્યપુસ્તકમાં શું બદલાયું? જાણો હવે વિદ્યાર્થીઓ શું ભણશે
NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં મહત્વના ફેરફારો કર્યા છે. ખાસ કરીને 1947ના ભારત વિભાજનને લઈને કેટલાક નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે. આ નવા ફેરફારમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ગાંધીજી અને કોંગ્રેસ ભાગલાના પક્ષમાં નહોતા, પરંતુ અંતે એક ‘અંતિમ વિકલ્પ’ તરીકે તેમણે આ સ્વીકારવું પડ્યું હતું.
નવી અને જૂની પુસ્તક વચ્ચેનો તફાવત
અગાઉ ધોરણ 8 ના ઇતિહાસના પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા મોકલવામાં આવેલું ‘કેબિનેટ મિશન’ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહમતી સાધવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે વિભાજન અનિવાર્ય બન્યું હતું. જોકે, જૂની પુસ્તકમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો કે કોંગ્રેસના નેતાઓએ તેને આગળ વધવાનો એકમાત્ર રસ્તો માનીને સ્વીકાર્યો હતો.
નવી પુસ્તક ‘Exploring Society: India and Beyond Part 2’ માં હવે સ્પષ્ટ લખાયું છે કે મહાત્મા ગાંધી અને મોટાભાગના કોંગ્રેસી નેતાઓ દેશના ભાગલાની વિરુદ્ધ હતા. આ સાથે જ એક નવો અને મહત્વનો મુદ્દો એ ઉમેરાયો છે કે તે સમયે તમામ ભારતીય મુસ્લિમો વિભાજનના પક્ષમાં નહોતા; તેમનો એક મોટો હિસ્સો ભાગલાનો વિરોધ કરી રહ્યો હતો.
અંગ્રેજોએ ભારત કેમ છોડ્યું? બદલાયેલો દ્રષ્ટિકોણ
નવી NCERT પુસ્તકમાં માત્ર ભાગલા જ નહીં, પણ આઝાદીના કારણો અંગે પણ નવો દ્રષ્ટિકોણ રજૂ કરાયો છે. અત્યાર સુધી એવું ભણાવવામાં આવતું હતું કે મુખ્યત્વે ગાંધીજીની અહિંસાની નીતિ અને કોંગ્રેસની રણનીતિને કારણે અંગ્રેજોએ ભારત છોડ્યું. પરંતુ હવે ઇતિહાસકારોના નવા તારણો મુજબ બીજા અનેક કારણો પણ ઉમેરવામાં આવ્યા છે:
- જન આંદોલનોનું વધતું જતું દબાણ.
- ક્રાંતિકારીઓના અવિરત પ્રયાસો.
- રોયલ ઇન્ડિયન એરફોર્સ અને રોયલ ઇન્ડિયન નેવીમાં થયેલા બળવા (Rebellion).
શિક્ષણ જગતમાં ચર્ચા
NCERT એ ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાનની આ નવી પુસ્તક તાજેતરમાં જ જારી કરી છે. ઇતિહાસના આ નવા અર્થઘટન અને તથ્યોના સમાવેશને લઈને શિક્ષણવિદો અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે આનાથી વિદ્યાર્થીઓને ભારતની ઝાદીના સંઘર્ષના વિવિધ પાસાઓ સમજવામાં વધુ મદદ મળશે.

