માત્ર 500 રૂપિયામાં બનો પાર્ટનર! ‘ભારત ટેક્સી’ આપી રહી છે 80% નફો મેળવવાની સુવર્ણ તક
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના ટેક્સી ડ્રાઇવરો માટે એક અત્યંત મહત્વકાંક્ષી પહેલ ‘ભારત ટેક્સી’નું ઉદ્ઘાટન કર્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઇવરોને માત્ર મજૂર મટાડીને તેમને કંપનીમાં સહકારી માલિકી આપવાનો અને તેમની આવકમાં મોટો વધારો કરવાનો છે. હવે ટેક્સી ડ્રાઇવર, જેમને ‘સારથી’ કહેવામાં આવશે, તેઓ માત્ર ₹500માં કંપનીના હિસ્સેદાર બની શકશે.
‘સારથી દીદી’ને મળશે વિશેષ પ્રાધાન્ય
આ યોજનામાં મહિલા ડ્રાઇવરો એટલે કે ‘સારથી દીદી’ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે: જો કોઈ એકલી મહિલા મુસાફર ટેક્સી બુક કરાવે છે, તો તેને ‘સારથી દીદી’ એટલે કે મહિલા ડ્રાઇવર સાથે જ મુસાફરી કરવા મળે તેવું પ્રાધાન્ય આપવામાં આવશે. આનાથી મહિલા ડ્રાઇવરો આત્મનિર્ભર બનશે અને મહિલા મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.
માત્ર ₹500ના રોકાણથી બનો માલિક
અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત ટેક્સી એ દેશની પાંચ મોટી સહકારી સંસ્થાઓને જોડીને બનાવવામાં આવી છે. કોઈપણ ડ્રાઇવર ₹500નો શેર ખરીદીને આ સંસ્થામાં ભાગીદાર બની શકે છે. આટલું જ નહીં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં કેટલીક બેઠકો ખાસ કરીને ડ્રાઇવરો માટે અનામત રાખવામાં આવશે, જેથી ડ્રાઇવરો પોતે જ તેમના સાથીદારોના હિતો અને સમસ્યાઓ માટે નિર્ણયો લઈ શકે.
નફાની વહેંચણીનું આકર્ષક મોડેલ
ભારત ટેક્સીમાં નફાની વહેંચણી ખૂબ જ પારદર્શક રાખવામાં આવી છે:
- તબક્કો 1: હાલમાં કુલ કમાણીના 20% રકમ સારથીઓના ખાતામાં મૂડી તરીકે જમા થશે, જ્યારે 80% રકમ ડ્રાઇવરોને તેમના દ્વારા કાપવામાં આવેલા અંતર મુજબ તરત જ આપી દેવામાં આવશે.
- તબક્કો 2: આગામી ત્રણ વર્ષ કંપનીના વિસ્તરણમાં ખર્ચવામાં આવશે. તે પછી થનારા કુલ નફાના 80% હિસ્સો સીધો સારથીઓને (ડ્રાઇવરોને) મળશે અને માત્ર 20% ભારત ટેક્સી પાસે રહેશે.
દેશનું પ્રથમ ડ્રાઇવર-માલિકીનું સહકારી પ્લેટફોર્મ
ભારત ટેક્સી એ દેશનું એવું પ્રથમ મોબિલિટી પ્લેટફોર્મ છે જેનો માલિકી હક ડ્રાઇવરો પાસે છે. ખાનગી એપ્સની જેમ અહીં ડ્રાઇવરોએ કોઈ જંગી કમિશન આપવું પડશે નહીં, જેનાથી તેમની બચત વધશે. બીજી તરફ, ગ્રાહકોને પણ વ્યાજબી અને પારદર્શક ભાડું ચૂકવવું પડશે. આ સમગ્ર સિસ્ટમ સરકારી માન્યતા પ્રાપ્ત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે, જે વિશ્વાસ અને ગુણવત્તાની ખાતરી આપે છે.

