પાકિસ્તાની ખેલાડીઓ પર દંડ ઓછો છે, સજા વધુ કડક હોવી જોઈએ: શાહિદ આફ્રિદીની PCB પાસે મોટી માંગ
T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ટીમ સુપર-8 રાઉન્ડથી આગળ વધી શકી નથી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિરાશાજનક અભિયાન બાદ પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ બોર્ડે ખેલાડીઓ પર દંડ ફટકાર્યો છે, તો બીજી તરફ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ સજાને અપૂરતી ગણાવીને મેનેજમેન્ટની આકરી ટીકા કરી છે.
ખેલાડીઓ પર 50-50 લાખનો દંડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ કપમાં કંગાળ પ્રદર્શનને જોતા PCBએ દરેક ખેલાડી પર 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. નવાઈની વાત એ છે કે, આ દંડ કોઈ શિસ્તભંગ માટે નહીં પરંતુ મેદાન પરના ખરાબ પ્રદર્શન માટે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં ભારત સામે 61 રને હાર્યું ત્યારે જ આ દંડ નક્કી કરી લેવાયો હતો. બોર્ડે શરત રાખી હતી કે જો ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો આ પેનલ્ટી માફ કરવામાં આવશે, પરંતુ પાકિસ્તાન નિષ્ફળ રહ્યું.
સુપર-8માં પાકિસ્તાનનું ફીંસણું
પાકિસ્તાન જેમ-તેમ કરીને બીજા રાઉન્ડમાં પહોંચ્યું ખરું, પણ સુપર-8માં તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ અને ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકા સામે છેલ્લી મેચ જીતવા છતાં નેટ રન રેટમાં ન્યુઝીલેન્ડથી પાછળ રહેવાને કારણે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું. આ સતત ચોથી વખત છે જ્યારે પાકિસ્તાન કોઈ ICC ઈવેન્ટની સેમીફાઈનલ સુધી પહોંચી શક્યું નથી.
“ખેલાડીઓને ટીમમાંથી બહાર કરો” આફ્રિદીનો આક્રોશ
સમા ટીવી સાથેની વાતચીતમાં શાહિદ આફ્રિદીએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, 50 લાખનો દંડ એ કોઈ સજા નથી પણ બોર્ડની નાની વિચારધારા છે. આફ્રિદીએ કહ્યું:
“આ નિર્ણય મારી સમજની બહાર છે. 50 લાખની રકમ શું છે? આ તો પેનલ્ટી જેવું લાગતું પણ નથી. ખરેખર તો જે ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું છે તેમને ઘરે બેસાડી દેવા જોઈએ.”
આફ્રિદીએ સૂચન આપ્યું કે જે ખેલાડીઓ રન બનાવી શકતા નથી કે વિકેટ લઈ શકતા નથી તેમને પાછા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મોકલવા જોઈએ. તેણે વધુમાં ઉમેર્યું કે કેટલાક ખેલાડીઓને તો ઓછામાં ઓછા બે વર્ષ સુધી નેશનલ ટીમની આસપાસ પણ ભટકવા દેવા જોઈએ નહીં. હવે ઘણું થઈ ગયું, પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફારની જરૂર છે.

