પાંચ ધોરણ ભણેલા કારીગરથી ડેરી ઉદ્યોગના પ્રેરણાસ્ત્રોત સુધી, સુમુલ ડેરી સાથે જોડાઈ સર્જ્યો અદ્ભુત કન્સેપ્શન રેટ
ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામના 63 વર્ષીય દીપક પટેલ આજે દેશના ડેરી ઉદ્યોગમાં ‘મિરેકલ બોય’ તરીકે જાણીતા બન્યા છે. માત્ર 5 ધોરણ સુધીનો અભ્યાસ હોવા છતાં, પશુઓમાં કૃત્રિમ બીજદાન (Artificial Insemination) ક્ષેત્રે તેમની કુશળતાએ રાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. જ્યાં ભારતમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતાનો દર 35 થી 40 ટકા છે, ત્યાં દીપકભાઈએ 80 ટકાનો (Conception Rate) અસાધારણ સફળતા દર હાંસલ કર્યો છે.
સુમુલ ડેરી સાથેનો બે દાયકાનો અતૂટ નાતો
વર્ષ 1999થી સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) સાથે જોડાયેલા દીપક પટેલે અત્યાર સુધીમાં 80,000 થી વધુ પશુઓમાં કૃત્રિમ બીજદાનની પ્રક્રિયા કરી છે. તેમની આ કામગીરીને કારણે દક્ષિણ ગુજરાતના પશુપાલકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. સુમુલ ડેરીના વેટરનરી વિભાગના વડા ડો. અજીતસિંહ જાદવે નોંધ્યું છે કે દીપકભાઈની આ કુશળતાને કારણે મહુવા વિસ્તારમાં દૂધાળા પશુઓની સંખ્યા અને દૂધની ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે.
સફળતાનું રહસ્ય: સમયની સચોટ પરખ
દીપક પટેલની સફળતા પાછળનું મુખ્ય રહસ્ય પશુઓની ‘હીટ’ (પ્રજનન કાળ) પારખવાની તેમની અદભૂત ક્ષમતા છે. તેઓ પશુનું નિરીક્ષણ કરીને ચોક્કસ સમય જણાવે છે કે ક્યારે બીજદાન કરવાથી ગર્ભાધાનની શક્યતા મહત્તમ રહેશે. ઘણીવાર તેઓ પશુપાલકને થોડા કલાકો રાહ જોવાની સલાહ આપે છે જેથી સફળતાનો દર જળવાઈ રહે. આ સચોટ પરખ જ તેમને અન્ય ટેકનિશિયનો કરતા અલગ પાડે છે.
પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો
દીપક પટેલના કાર્યક્ષેત્રમાં દૂધ ઉત્પાદનના આંકડાઓ આશ્ચર્યજનક છે:
-
રાષ્ટ્રીય સરેરાશ: શંકર ગાય પ્રતિ દિવસ અંદાજે 7.4 લિટર દૂધ આપે છે.
-
ગુજરાત સરેરાશ: શંકર ગાય પ્રતિ દિવસ 8.05 લિટર દૂધ આપે છે.
-
મહુવા (દીપક પટેલનું કાર્યક્ષેત્ર): અહીં શંકર ગાય પ્રતિ દિવસ સરેરાશ 11.3 લિટર દૂધ આપે છે.
વૈશ્વિક સ્તરે સન્માન અને પ્રેરણા
દીપક પટેલના જીવન અને કાર્ય પર ‘ધ મિરેકલ બોય – દીપક પટેલ’ નામનું અંગ્રેજી પુસ્તક લખાયું છે. આ ઉપરાંત, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા તેમના પર ‘સફળ બીજદાન’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. 63 વર્ષની વયે પણ તેઓ કાર્યરત છે અને હવે તેમણે આ જ્ઞાન પોતાના જમાઈને વારસામાં આપીને નવી પેઢી તૈયાર કરી છે.

