લોન્ચ થતાની સાથે જ સુપરહિટ! ટાટા સિયેરાનું વેઇટિંગ પીરિયડ 7 મહિને પહોંચ્યું, માત્ર 48 દિવસમાં 10 હજારથી વધુ કાર વેચાઈ
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા મોટર્સનો દબદબો સતત વધી રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ પરત ફરેલી ટાટા સિયેરા (Tata Sierra) એ વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે નવી સિયેરાની ડિલિવરીનો આંકડો 10,000 યુનિટને વટાવી ગયો છે. નોંધનીય છે કે આ કારની ડિલિવરી 15 જાન્યુઆરી, 2026 થી શરૂ કરવામાં આવી હતી, એટલે કે માત્ર 48 દિવસમાં જ કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
સિયેરા પ્રત્યે લોકોનો ક્રેઝ એટલો છે કે ડિસેમ્બર 2025 માં બુકિંગ શરૂ થયાના માત્ર 24 કલાકમાં જ 70,000 થી વધુ ઓર્ડર મળ્યા હતા. હાલમાં કુલ બુકિંગનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે, જેના કારણે તેનો વેઇટિંગ પીરિયડ હવે 7 મહિના સુધી પહોંચી ગયો છે.
કિંમત અને વેરિઅન્ટ્સ
ટાટા સિયેરા પ્રીમિયમ લૂક અને દમદાર ફીચર્સ સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થઈને 21.29 લાખ રૂપિયા સુધી જાય છે. કંપનીએ તેને 7 મુખ્ય ટ્રિમ્સમાં લોન્ચ કરી છે:
- સ્માર્ટ પ્લસ, પ્યોર, પ્યોર પ્લસ, એડવેન્ચર, એડવેન્ચર પ્લસ, અકમ્પ્લીશ્ડ અને અકમ્પ્લીશ્ડ પ્લસ. આ કાર કુલ 24 અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને બજેટ અને જરૂરિયાત મુજબ વિશાળ પસંદગી આપે છે.
એન્જિન અને પાવર
ટાટાએ સિયેરામાં ત્રણ એન્જિન ઓપ્શન આપ્યા છે, જે તેને દરેક પ્રકારના ડ્રાઈવર માટે ખાસ બનાવે છે:
- 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ: 106 HP પાવર (મેન્યુઅલ ગિયરબોક્સ).
- 1.5 લિટર ટર્બો-પેટ્રોલ: 160 HP પાવર (માત્ર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે).
- 1.5 લિટર ડીઝલ એન્જિન: 118 HP પાવર (મેન્યુઅલ અને ઓટોમેટિક ઓપ્શન).
હાઈ-ટેક ફીચર્સથી સજ્જ કેબિન
નવી સિયેરાનું ઈન્ટિરિયર કોઈ લક્ઝરી કારથી ઓછું નથી. તેમાં ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 10.25 ઇંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે અને ઇન્ફોટેનમેન્ટ તેમજ પેસેન્જર માટે બે 12.3 ઇંચની ટચસ્ક્રીન સામેલ છે.
આ ઉપરાંત કારમાં નીચે મુજબના આધુનિક ફીચર્સ મળે છે:
- પેનોરેમિક સનરૂફ અને 12-સ્પીકર જેબીએલ (JBL) સાઉન્ડ સિસ્ટમ.
- વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે.
- મેમરી ફંક્શન સાથે વેલકમ સીટ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ.
- ડ્યુઅલ-ઝોન ક્લાયમેટ કંટ્રોલ અને પાવર્ડ ટેલગેટ.
સુરક્ષામાં નંબર-1
ટાટા હંમેશા તેની મજબૂત સુરક્ષા માટે જાણીતું છે. સિયેરામાં લેવલ-2 ADAS (22 ફીચર્સ સાથે) આપવામાં આવ્યું છે. સાથે જ 6 એરબેગ્સ, ABS-EBD, 360-ડિગ્રી કેમેરા, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ચારેય વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક જેવી સુવિધાઓ ગ્રાહકોને સુરક્ષિત મુસાફરીનો અહેસાસ કરાવે છે.
કોની સાથે છે મુકાબલો?
મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં ટાટા સિયેરાનો સીધો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા, કિઆ સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઈરાઈડર જેવી કાર સાથે છે. જોકે, તેના યુનિક લૂક અને ફીચર્સને કારણે તે હાલમાં આ સેગમેન્ટમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.

