બરવાળા બાવીસી ખાતે કરોડો રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકામાં જળ ક્રાંતિ લાવવા માટે એકસાથે ૪૫ ગામોમાં ‘જળસંચય અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં આ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના તમામ ૪૫ ગામોના તળાવો ઊંડા ઉતારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ અભિયાન પાછળ અંદાજે ૭ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ અને પશુપાલન માટે મળશે.
બરવાળા બાવીસી ગામે વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
બરવાળા બાવીસી મુકામે મંત્રીશ્રીના હસ્તે ૫૫ લાખ રૂપિયાના ખર્ચે ૧૧ જેટલા નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયતનું નવું ભવન, તળાવ રીનોવેશન, નવા રસ્તાઓ અને ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ સાથે જ અંદાજે ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨ જેટલા જૂના વિકાસ પ્રકલ્પો, જેવા કે પેવર બ્લોક રોડ અને પાણીની ટાંકીના યુનિટોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. અહીંના બે હયાત તળાવોને ૬૦ લાખના ખર્ચે નવા રૂપરંગ આપવામાં આવશે, જેથી જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી ૬૦ દિવસીય જળ અભિયાન
આ જળસંચય અભિયાનમાં રાજકોટના શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. આગામી ૬૦ દિવસ સુધી દરરોજ ૧૦ કલાક હીટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી સતત ચાલશે. મંત્રીશ્રીએ ગ્રામજનોને આ કામગીરીનું જાતે મોનિટરિંગ કરવા અને પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સહિત તાલુકા પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

