અમરેલીમાં નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને રૂ.૨૭૨ કરોડના રાધેશ્યામ બાયપાસની જાહેરાત
અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખૂલ્યા છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અંદાજે રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક પ્રાથમિક શાળાનું લોકાર્પણ ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી શાળા મળવાથી હવે જેસીંગપરા અને તેની આસપાસના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને પોતાના જ વિસ્તારમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
સ્માર્ટ બોર્ડ અને આધુનિક પ્રયોગશાળાની સુવિધાથી સજ્જ શિક્ષણ
આ નવી પ્રાથમિક શાળા માત્ર મકાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને ડિજિટલ યુગના શિક્ષણને અનુરૂપ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે શાળામાં સ્માર્ટ બોર્ડ, સુસજ્જ પ્રયોગશાળા અને હવાઉજાસવાળા અત્યાધુનિક વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂં પાડવાનો છે. તેમણે ખાતરી આપી હતી કે આગામી સમયમાં અમરેલી વિધાનસભાની તમામ સરકારી શાળાઓના મકાનોના નવીનીકરણનું કામ ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવશે.
૨૭૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવા બાયપાસની ભેટ
શાળાના લોકાર્પણની સાથે મંત્રીશ્રીએ વિસ્તારના વિકાસ માટે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે જેસીંગપરા નજીકથી પસાર થનારા અંદાજે રૂ. ૨૭૨ કરોડના ખર્ચે ‘રાધેશ્યામ બાયપાસ’નું નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં જ થશે. આ નવા બાયપાસને કારણે શહેરનો વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ મોટો ઘટાડો થશે. શિક્ષણની સાથે માળખાગત સુવિધાઓ વધવાથી સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક ઉત્સવની ઉજવણી
કાર્યક્રમની શરૂઆતમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સભ્યો, અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકો, વાલીઓ અને ઉત્સાહી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સૌએ સાથે મળીને નવી શાળાના રૂપે મળેલી આ શૈક્ષણિક ભેટને વધાવી લીધી હતી.

