નાઇજીરિયામાં એક પછી એક અનેક ધડાકા: ડઝનબંધ લોકોના મોત, 200થી વધુ ઘાયલ
આફ્રિકન દેશ નાઇજીરિયા ફરી એકવાર આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું છે. સોમવારે રાત્રે નાઇજીરિયાના બોરનો રાજ્યમાં એક પછી એક અનેક જોરદાર ધડાકા થયા હતા. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઈમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં આત્મઘાતી બોમ્બર્સ (સુસાઈડ બોમ્બર) સામેલ હોવાની આશંકા છે.
ત્રણ મુખ્ય સ્થળોએ થયા વિસ્ફોટ
બોરનો રાજ્યની રાજધાની મૈદુગુરીમાં આ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. આ એજ વિસ્તાર છે જ્યાં નાઇજીરિયાનું કુખ્યાત આતંકવાદી સંગઠન ‘બોકો હરામ’ સક્રિય છે. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા મુજબ, વિસ્ફોટો ‘મૈદુગુરી યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ’ ના પ્રવેશદ્વાર પર અને બે સ્થાનિક બજારો ‘પોસ્ટ ઓફિસ’ તેમજ ‘મન્ડે માર્કેટ’ માં થયા હતા. આ ભીડભાડવાળા વિસ્તારો હોવાથી જાનહાનિનો આંકડો વધવાની શક્યતા છે.
હોસ્પિટલોમાં ઘાયલોની કતાર
વિસ્ફોટના પ્રત્યક્ષદર્શી બગોની અલ્કલીએ જણાવ્યું કે, બ્લાસ્ટ બાદ સ્થળ પર જ અનેક લોકોના મોત થયા હતા અને સ્થિતિ અત્યંત હૃદયદ્રાવક હતી. તેમણે પોતે અનેક ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. અત્યાર સુધીમાં 200 થી વધુ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક સ્વયંસેવી જૂથના સભ્ય મોહમ્મદ હસને પુષ્ટિ કરી છે કે તેમણે બજાર વિસ્તારમાંથી 10 મૃતદેહો કાઢ્યા છે. જોકે, હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
ગવર્નરે કરી હુમલાની નિંદા
બોરનો રાજ્યના ગવર્નર બાબાગાના ઉમારા ઝુલુમે આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની સખત શબ્દોમાં નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. નાઇજીરિયાની સેનાએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે મૈદુગુરીના બહારના વિસ્તારમાં શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રાત્રિના સમયે થયેલા આ આત્મઘાતી હુમલાઓએ સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે.
નાઇજીરિયા છેલ્લા ઘણા વર્ષોથી ખાસ કરીને તેના ઉત્તરીય ભાગમાં વિવિધ સશસ્ત્ર જૂથો અને આતંકવાદી સંગઠનોને કારણે સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યું છે.

