પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026માં મંત્રીશ્રીનો સહજ સંવાદ, સ્થાનિક ઉત્પાદનોને મળ્યુ પ્રોત્સાહન
મહેસાણા ખાતે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તેમજ મહેસાણા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની મુલાકાત મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ લીધી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ લોકોમાં પૌષ્ટિક આહાર એટલે કે ‘શ્રી અન્ન’ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. મંત્રીશ્રીએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આનાથી નાગરિકોના સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સ્થિતિ બંનેમાં સુધારો થશે.
પ્રભારી મંત્રીનો સ્ટોલ ધારકો અને ખેડૂતો સાથે આત્મીય સંવાદ
મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ મહોત્સવમાં ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ ધારકો અને ખેડૂતો સાથે ખૂબ જ સહજતાથી સંવાદ સાધ્યો હતો અને મિલેટ આધારિત વિવિધ પ્રોડક્ટ્સ, તેની બનાવટ અને વેચાણ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ ખાસ કરીને મૂલ્યવર્ધન (Value Addition) પર ભાર મૂક્યો હતો કે કેવી રીતે બાજરી, જુવાર અને રાગી જેવા પરંપરાગત ધાન્યોમાંથી આધુનિક વાનગીઓ બનાવીને લોકો સુધી પહોંચાડી શકાય છે. આ સંવાદથી વેચાણકર્તાઓ અને ખેડૂતોમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહાનુભાવો અને વહીવટી તંત્રની પ્રેરક ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીની સાથે મહેસાણાના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરી સહિતના જનપ્રતિનિધિઓ જોડાયા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીને મહોત્સવની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે અગ્રણી ગીરીશભાઈ રાજગોર અને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નાગરિકોને મિલેટ આધારિત આહારશૈલી અપનાવવા અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
સ્વાસ્થ્યવર્ધક ‘શ્રી અન્ન’ અને પ્રાકૃતિક ખેતીને વેગ
મિલેટ મહોત્સવ મહેસાણાના નાગરિકો માટે એક વિશેષ તક છે, જ્યાં તેઓ સીધા ખેડૂતો પાસેથી શુદ્ધ અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકે છે. પ્રાકૃતિક ફાર્મર માર્કેટ દ્વારા ઝેરમુક્ત ખેતીના મહત્વને સમજાવવામાં આવી રહ્યું છે. મંત્રીશ્રીએ મુલાકાત બાદ આશા વ્યક્ત કરી હતી કે આવા આયોજનોથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળશે અને સામાન્ય જનતાને પણ પૌષ્ટિક આહાર મળી રહેશે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે જિલ્લામાં વિવિધ તાલીમ શિબિરો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે.

