ન્યૂયોર્કમાં રનવે પર કાળમુખો અકસ્માત: વિમાન અને ફાયર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 2 ના મોત અને 70 ઘાયલ
અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત લા ગાર્ડિયા (LaGuardia) એરપોર્ટ પર એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે. રનવે પર ટેક્સી કરી રહેલા એર કેનેડા એક્સપ્રેસના CRJ-900 વિમાન સાથે એક ફાયર ટ્રક (દમકલ ગાડી) અથડાતા મોટી હોનારત થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 70 થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત રનવે નંબર 4 પાસે ત્યારે થયો જ્યારે એર કેનેડાનું વિમાન ટેક્સીવે પરથી પસાર થઈ રહ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાન અને ગ્રાઉન્ડ વ્હીકલ (ફાયર ટ્રક) બંનેને થોભવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં, અગમ્ય કારણોસર ફાયર ટ્રક ઉભી રહી નહોતી અને સીધી વિમાન સાથે જઈ ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાનનો આગળનો ભાગ હવામાં ઊંચકાયેલો જોવા મળી રહ્યો છે.
યહૂદી સમુદાયના લોકો હતા સવાર
અહેવાલો અનુસાર, આ વિમાનમાં આશરે 100 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના લોકો યહૂદી સમુદાયના હોવાનું કહેવાય છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકામાં થયેલી આ ઘટનાને લઈને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે.
એરપોર્ટ બંધ અને ફ્લાઈટ્સ ડાયવર્ટ
દુર્ઘટના બાદ લા ગાર્ડિયા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં ઉતરનારી તમામ ફ્લાઈટ્સને હવે ન્યૂયોર્કના જ જેએફકે (JFK) એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે અનેક એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
તપાસ અને રાહત કાર્ય
ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ ટીમોએ વિમાનમાં ફસાયેલા અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢીને રનવે પાસેના સુરક્ષિત વિસ્તારમાં ખસેડ્યા છે. અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે ATC ના આદેશ છતાં ફાયર ટ્રક કેમ ઉભી ન રહી અને શું આ પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ.

