ખાલી પેટે 1 ચમચી તુકમારિયાના બીજ ખાવાથી શું થશે? જાણો તેના અદભૂત ફાયદા
ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે લોકો અવારનવારતુકમારિયાના બીજ (જેને સબ્જા પણ કહેવામાં આવે છે) નો ઉપયોગ કરતા હોય છે. આ નાના કાળા બીજ પોષક તત્વોનો ખજાનો છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ બીજને રોજ સવારે ખાલી પેટે લેવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ સવારે ખાલી પેટેતુકમારિયા ખાવાના ફાયદા અને તેની સાચી રીત.
પાચનતંત્રને બનાવે છે મજબૂત
તુકમારિયાના બીજ પાચન માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો ખાલી પેટે તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને આંતરડાની સફાઈમાં મદદ મળે છે.
વજન ઘટાડવામાં રામબાણ ઈલાજ
વજન ઉતારવા માંગતા લોકો માટે આ બીજ આશીર્વાદ સમાન છે. જ્યારે આ બીજને પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તે ફૂલી જાય છે. સવારે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી અને કેલરીનું પ્રમાણ ઘટે છે, જે વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
શરીરને આપે છે કુદરતી ઠંડક
ઉનાળામાં શરીરની ગરમી વધી જવી એ સામાન્ય સમસ્યા છે. તુકમારિયામાં કુદરતી ઠંડક આપવાના ગુણો હોય છે. સવારે તેને પાણી અથવા કોઈ હેલ્ધી ડ્રિંક સાથે લેવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તમે આખો દિવસ તાજગી અનુભવો છો.
એસીડીટી અને પેટની બળતરામાં રાહત
જો તમને અવારનવાર એસીડીટી (Acid Reflux) કે પેટમાં બળતરાની સમસ્યા થતી હોય, તો તુકમારિયાના બીજ તરત રાહત આપે છે. તમે તેને લીંબુ પાણી અથવા સાદા પાણી સાથે મિક્સ કરીને પી શકો છો. તે પેટમાં એસિડના લેવલને શાંત કરે છે.
બ્લડ સુગરને રાખે છે કંટ્રોલમાં
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તુકમારિયા ફાયદાકારક છે. તે કાર્બોહાઈડ્રેટ્સના પાચનની પ્રક્રિયાને ધીમી પાડે છે, જેનાથી લોહીમાં સુગરનું લેવલ અચાનક વધતું નથી. સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલમાં રાખવામાં ઘણી મદદ મળે છે.
કેવી રીતે કરવું સેવન?
યાદ રાખો, તુકમારિયાના બીજને ક્યારેય સીધા કાચા ન ખાવા જોઈએ. તેને રાત્રે અથવા ખાવાના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણીમાં 1 ચમચી બીજ પલાળી દેવા. જ્યારે તે ફૂલીને જેલી જેવા થઈ જાય, ત્યારે તેનું સેવન કરવું સૌથી શ્રેષ્ઠ છે. તમે તેને પાણી, દૂધ કે સવારના સ્મૂધીમાં ઉમેરીને પણ લઈ શકો છો.

