ઈરાન-અમેરિકાની વાતચીત પહેલા સાઉદીના નાણામંત્રી અચાનક પાકિસ્તાન કેમ પહોંચ્યા? જાણો શું છે સમગ્ર મામલો
હાલમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર બની છે, કારણ કે પાકિસ્તાન અહીં અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) વાટાઘાટોની યજમાની કરી રહ્યું છે. જોકે, આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થાય તે પહેલા જ સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાન પાકિસ્તાન પહોંચ્યા હતા, જેને લઈને રાજદ્વારી વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. શુક્રવારે તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
હાઈ-લેવલ મીટિંગ અને ખાડી દેશોનું તણાવપૂર્ણ વાતાવરણ
શનિવારે અમેરિકા અને ઈરાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સીઝફાયર વાટાઘાટો માટે ઈસ્લામાબાદ પહોંચ્યું હતું. તેના એક દિવસ પહેલા જ સાઉદી નાણામંત્રીએ શહબાઝ શરીફ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી ઇશાક ડાર તેમજ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ ફિલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર પણ હાજર રહ્યા હતા. ખાડી દેશોમાં ચાલી રહેલા વર્તમાન તણાવને જોતા આ મુલાકાત અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન અહીં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
મુલાકાત દરમિયાન વડાપ્રધાન શહબાઝ શરીફએ સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલઅઝીઝ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પાકિસ્તાનની આર્થિક સ્થિરતા જાળવી રાખવામાં સાઉદી અરેબિયા દ્વારા મળતી સતત નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. શરીફે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સદીઓ જૂના અને અતૂટ છે, અને પાકિસ્તાનની સરકાર તેમજ જનતા હંમેશા સાઉદી અરેબિયાની પડખે ‘ખભેખભા મિલાવીને’ ઉભા રહેશે.
ISLAMABAD: 10 April 2026.
Prime Minister’s Meeting with H.E. Mohammed bin Abdullah Al-Jadaan, Finance Minister of the Kingdom of Saudi Arabia.
His Excellency Mohammed bin Abdullah Al-Jadaan, Finance Minister of the Kingdom of Saudi Arabia, who was on a one-day visit to… pic.twitter.com/DAvAINa4Vo
— Prime Minister’s Office (@PakPMO) April 10, 2026
આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર
સાઉદી નાણામંત્રી સાથેની આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નહોતી. શહબાઝ શરીફે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને વેપાર, રોકાણ અને આર્થિક વિકાસમાં સાઉદી અરેબિયા સાથેના સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન અને અમેરિકા જેવી બે વિરોધી સત્તાઓ જ્યારે પાકિસ્તાનમાં ટેબલ પર બેસી રહી હોય, ત્યારે સાઉદી અરેબિયાની હાજરી એ સંકેત આપે છે કે આ પ્રદેશમાં કોઈપણ મોટા ફેરફારમાં સાઉદીની ભૂમિકા નિર્ણાયક રહેવાની છે.
