દિલ્હી EV પોલિસી 2026: ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર કેટલી મળશે સબસિડી? જાણો નવી પોલિસીની તમામ મોટી વાતો
દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણને નાથવા અને લોકોને ક્લીન એનર્જી તરફ વાળવા માટે કેજરીવાલ સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2026-2030નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજધાનીના રસ્તાઓ પરથી પેટ્રોલ-ડીઝલ વાહનોની સંખ્યા ઘટાડીને ઈલેક્ટ્રિક વાહનો (EV)નું પ્રમાણ વધારવાનો છે. આ નવી પોલિસીમાં સબસિડીથી લઈને ટેક્સમાં છૂટછાટ સુધીની ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. હાલમાં આ ડ્રાફ્ટ પર જનતા પાસેથી ૩૦ દિવસ સુધી સૂચનો માંગવામાં આવ્યા છે.
નવી પોલિસીમાં શું છે ખાસ?
દિલ્હી સરકારની આ નવી પોલિસી મુજબ, આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે, આ વખતે સરકારે સબસિડીના માળખામાં થોડો ફેરફાર કર્યો છે. સબસિડીનો લાભ ‘પહેલા વર્ષે સૌથી વધુ’ મળશે અને ત્યારબાદ દર વર્ષે તેમાં ઘટાડો કરવામાં આવશે. આ પાછળનો હેતુ એ છે કે લોકો ઝડપથી EV તરફ વળે અને શરૂઆતના તબક્કામાં જ તેનો લાભ લે.
ટુ-વ્હીલર (ઈલેક્ટ્રિક બાઇક-સ્કૂટર) પર સબસિડી
જો તમે દિલ્હીમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો નવી પોલિસી હેઠળ તમને સારી રાહત મળી શકે છે. ટુ-વ્હીલર વાહનો પર ૨.૨૫ લાખ સુધીની સબસિડીની જોગવાઈ છે, પરંતુ તેનો સ્લેબ નીચે મુજબ રહેશે:
- પ્રથમ વર્ષ: પ્રતિ kWh દીઠ ૧૦,૦૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૩૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી મળશે.
- બીજું વર્ષ: મહત્તમ સબસિડી ઘટીને ૨૦,૦૦૦ રૂપિયા થઈ જશે.
- ત્રીજું વર્ષ: સબસિડી માત્ર ૧૦,૦૦૦ રૂપિયા સુધી જ સીમિત રહેશે.
થ્રી-વ્હીલર અને ઈ-ઓટો માટે રાહત
દિલ્હીમાં પરિવહન માટે રિક્ષા અને ઈ-ઓટો ખૂબ જ મહત્વના છે. તેમને પ્રોત્સાહન આપવા માટે સરકારે સીધી કેશ સબસિડીની જાહેરાત કરી છે:
- પ્રથમ વર્ષ: નવું ઈ-ઓટો ખરીદવા પર ૫૦,૦૦૦ રૂપિયા સુધીની કેશ સબસિડી મળશે.
- બીજું વર્ષ: સબસિડીની રકમ ઘટીને ૪૦,૦૦૦ રૂપિયા થશે.
- ત્રીજું વર્ષ: ત્રીજા વર્ષે આ સબસિડી ૩૦,૦૦૦ રૂપિયા સુધી રહેશે.
માલવાહક વાહનો (કોમર્શિયલ ટ્રક) પર સબસિડી
નાના કોમર્શિયલ ટ્રક અને માલસામાનની હેરાફેરી કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે પણ સરકારે ઉદાર હાથે સબસિડીની જાહેરાત કરી છે:
- પ્રથમ વર્ષ: માલવાહક વાહનો પર ૧ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે.
- બીજું વર્ષ: આ રકમ ઘટીને ૭૫,૦૦૦ રૂપિયા થશે.
- ત્રીજું વર્ષ: ત્રીજા વર્ષે ૫૦,૦૦૦ રૂપિયાની સબસિડી મળશે.

