વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ: હોર્મુઝ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ’ બંધ કરવાની યમનની ધમકી, ઈરાનના સમર્થનમાં હુથી બળવાખોરો મેદાને
અમેરિકા અને ઈરાન વચ્ચે ૪૦ દિવસ સુધી ચાલેલા ભયાનક જંગ બાદ હાલ બે અઠવાડિયાના યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ શાંતિની આ આશા માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગે છે. અફઘાનિસ્તાનમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ અમેરિકાએ જ્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકેબંધી શરૂ કરી, ત્યારે હવે યમન પણ ઈરાનના ખુલ્લા સમર્થનમાં આગળ આવ્યું છે. યમને દુનિયાના અત્યંત વ્યસ્ત એવા ‘બાબ-અલ-મંદેબ’ જળમાર્ગને બંધ કરવાની ચીમકી આપી છે.
શું છે બાબ-અલ-મંદેબ અને તેનું મહત્વ?
બાબ-અલ-મંદેબ એ લાલ સમુદ્ર (Red Sea) અને એડનની ખાડીને જોડતો એક અત્યંત સાંકડો અને મહત્વપૂર્ણ જળમાર્ગ છે. દુનિયાનો મોટાભાગનો સમુદ્રી વેપાર અને ખાસ કરીને યુરોપ જતું કાચું તેલ આ રસ્તે થઈને પસાર થાય છે. જો હોર્મુઝની સામુદ્રધુની બાદ આ રસ્તો પણ બંધ થઈ જાય, તો એશિયા અને યુરોપ વચ્ચેનો સંપર્ક લગભગ કપાઈ જશે. જહાજોએ આખા આફ્રિકા ખંડનો આંટો મારીને જવું પડશે, જેનાથી પરિવહન ખર્ચ અને સમયમાં અનેકગણો વધારો થશે.
યમનનું ‘ઈરાન કનેક્શન’ અને હુથી આંદોલન
યમનના વરિષ્ઠ વિશ્લેષક અહમદ નાગીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે યમનનું હુથી આંદોલન (અંસારુલ્લાહ) હવે પોતાના પ્રાદેશિક જળક્ષેત્રમાં સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે, અને તેઓ ઈચ્છે છે કે જો અમેરિકા ઈરાનને આર્થિક રીતે નુકસાન પહોંચાડે, તો તેના વળતા જવાબમાં હુથીઓ આ દરિયાઈ રસ્તા પર કબજો જમાવે.
નાગીએ સ્પષ્ટ કર્યું કે, “જો ઈરાન દર્દ અનુભવશે, તો હુથીઓ બાબ-અલ-મંદેબમાં પોતાની કાર્યવાહી તેજ કરશે.” આનો સીધો અર્થ એ છે કે ઈરાન પરના કોઈ પણ અમેરિકન હુમલાનો જવાબ યમનના દરિયાકાંઠેથી આપવામાં આવશે.
તેલના ભાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન પર અસર
જો યમન આ ધમકીનો અમલ કરે અને બાબ-અલ-મંદેબને બ્લોક કરી દે, તો તેનાથી અમેરિકા અને પશ્ચિમી દેશો પર તેલના ભાવનું દબાણ બમણું થઈ જશે. ઈરાન પહેલેથી જ હોર્મુઝ પર નિયંત્રણ ધરાવે છે, અને જો આ બંને રસ્તાઓ બંધ થઈ જાય તો વૈશ્વિક એનર્જી સપ્લાય સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં માત્ર તેલ જ નહીં, પરંતુ ખાદ્યપદાર્થો, દવાઓ અને અન્ય જરૂરિયાતની ચીજોની હેરફેર પર પણ ગંભીર અસર પડશે. ઈન્ટરનેશનલ શિપિંગ ઈન્ડસ્ટ્રી પહેલેથી જ તણાવમાં છે, અને આ પ્રકારની નાકેબંધી વૈશ્વિક મંદીને નોતરી શકે છે.
અમેરિકા અને ઈઝરાયેલને ખુલ્લી ચેતવણી
યમનના અંસારુલ્લાહ પ્રતિરોધ આંદોલને અગાઉ જ ચેતવણી આપી હતી કે જો અમેરિકા કે ઈઝરાયેલ ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાની હિંમત કરશે, તો તેઓ પોતાના સૈન્ય અભિયાનોને મધ્ય-પૂર્વના તમામ સમુદ્રી વિસ્તારોમાં ફેલાવી દેશે. હુથી બળવાખોરો પાસે એવા આધુનિક ડ્રોન અને મિસાઈલો છે જે પસાર થતા વેપારી જહાજોને નિશાન બનાવી શકે છે, જેના કારણે વીમા કંપનીઓએ આ રૂટ પર પ્રીમિયમમાં પણ વધારો કરી દીધો છે.

