અશ્વગંધાના સેવન બાબતે FSSAI ની કડક સૂચના: સપ્લીમેન્ટ્સ ખરીદતા પહેલા જાણો આ મહત્વની વાતો
આયુર્વેદમાં ‘જડીબુટ્ટીઓના રાજા’ ગણાતી અશ્વગંધાનો ઉપયોગ સદીઓથી સ્વાસ્થ્ય સુધારવા માટે કરવામાં આવે છે. આજના ભાગદોડભર્યા જીવનમાં તણાવ ઓછો કરવા અને શારીરિક શક્તિ વધારવા માટે લોકો મોટા પાયે અશ્વગંધાના સપ્લીમેન્ટ્સ (ગોળીઓ કે પાવડર) નો ઉપયોગ કરે છે. જોકે, તાજેતરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI) એ અશ્વગંધાના ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી બહાર પાડી છે, જે દરેક ગ્રાહક માટે જાણવી અત્યંત જરૂરી છે.
FSSAI એ કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?
FSSAI ના ધ્યાન પર આવ્યું છે કે ઘણી કંપનીઓ વધુ નફો કમાવવાના હેતુથી અશ્વગંધાના સપ્લીમેન્ટ્સમાં તેની ‘મૂળ’ (Roots) ને બદલે તેના ‘પાન’ (Leaves) નો ઉપયોગ કરી રહી છે. આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક વિજ્ઞાન મુજબ, અશ્વગંધાના જે મુખ્ય ફાયદાઓ ગણાવવામાં આવ્યા છે, તે તેની જડમાં રહેલા તત્વોને કારણે હોય છે.
જ્યારે કોઈ કંપની લેબલ પર અશ્વગંધા લખે છે, ત્યારે ગ્રાહક એમ માને છે કે તેને મૂળના ગુણો મળશે. પરંતુ જો તેમાં પાનનો ઉપયોગ થયો હોય, તો તેની અસર શરીર પર અલગ પડે છે. આ છેતરપિંડી રોકવા અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે FSSAI એ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સપ્લીમેન્ટ્સમાં માત્ર મૂળનો જ ઉપયોગ થવો જોઈએ.
મૂળ અને પાન વચ્ચેનો મોટો તફાવત
- અશ્વગંધાના મૂળ (Roots): મૂળમાં ‘વિથનોલાઇડ્સ’ (Withanolides) નું પ્રમાણ સંતુલિત હોય છે. તે શારીરિક તાકાત વધારવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને ખાસ કરીને માનસિક તણાવ (Cortisol Level) ઘટાડવામાં મદદરૂપ થાય છે. સારી ઊંઘ માટે પણ મૂળનો પાવડર જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- અશ્વગંધાના પાન (Leaves): પાંદડાઓનો ઉપયોગ મુખ્યત્વે વજન ઘટાડવા માટે અથવા ચામડીના રોગોમાં ઘા રુઝાવવા માટે કરવામાં આવે છે. પાંદડામાં મૂળ જેવા શક્તિવર્ધક ગુણો હોતા નથી.
કિંમતનો મોટો ખેલ: કંપનીઓ કેમ કરે છે પાંદડાનો ઉપયોગ?
બજારમાં અશ્વગંધાના મૂળ અને પાનની કિંમતમાં આસમાન-જમીનનો તફાવત છે.
- મૂળની કિંમત: સામાન્ય રીતે અશ્વગંધાના શુદ્ધ મૂળ 300 થી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.
- પાનની કિંમત: તેના પાંદડા માત્ર 35 થી 50 રૂપિયા પ્રતિ કિલોમાં આસાનીથી મળી જાય છે.
વધુ નફો મેળવવા માટે કંપનીઓ સસ્તા પાંદડાનો પાવડર બનાવી તેને મોંઘા ‘અશ્વગંધા સપ્લીમેન્ટ’ તરીકે વેચે છે. આનાથી ગ્રાહકોના પૈસા તો વેડફાય જ છે, સાથે જે પરિણામ માટે તેઓ આ દવા લેતા હોય છે તે મળતું નથી.
આરોગ્ય પર થઈ શકે છે વિપરીત અસર
જો તમે માનસિક શાંતિ કે તાકાત માટે અશ્વગંધા લઈ રહ્યા હોવ અને તેમાં ભૂલથી પાંદડાનું મિશ્રણ હોય, તો તેનાથી તમારા શરીરમાં હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. પાંદડાનો વધુ પડતો ઉપયોગ પાચન સંબંધી સમસ્યાઓ અથવા લિવર પર બોજ વધારી શકે છે. આયુર્વેદ મુજબ કોઈપણ ઔષધિના ચોક્કસ ભાગનો જ ચોક્કસ બીમારીમાં ઉપયોગ કરવો જોઈએ, અન્યથા તે ઝેર સમાન સાબિત થઈ શકે છે.
ગ્રાહકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- લેબલ ધ્યાનથી વાંચો: સપ્લીમેન્ટની બોટલ પાછળ લખેલા ઘટકો (Ingredients) માં તપાસો કે તેમાં ‘Ashwagandha Root Extract’ લખેલું છે કે નહીં. જો ત્યાં ‘Aerial parts’ કે ‘Leaves’ લખેલું હોય તો સાવધ થઈ જાવ.
- વિશ્વાસપાત્ર બ્રાન્ડ: હંમેશા એવી બ્રાન્ડ પસંદ કરો જે આયુષ મંત્રાલય કે FSSAI ના નિયમોનું પાલન કરતી હોય અને તેના રિપોર્ટ્સ સાર્વજનિક હોય.
- ડૉક્ટરની સલાહ: કોઈપણ આયુર્વેદિક દવા કે સપ્લીમેન્ટ શરૂ કરતા પહેલા નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. દરેકની પ્રકૃતિ (વાત, પિત્ત, કફ) અલગ હોય છે, તે મુજબ જ ડોઝ નક્કી કરવો જોઈએ.
- રંગ અને ગંધ: અશ્વગંધાના શુદ્ધ મૂળના પાવડરનો રંગ થોડો આછો ક્રીમ કે સફેદ જેવો હોય છે અને તેની ગંધ ઘોડાના પસેવા જેવી (જેના પરથી તેનું નામ પડ્યું છે) તીવ્ર હોય છે.

