સાવધાન! જો તમે પણ અમેરિકામાં OPT પર છો, તો ICE ની આ ચેતવણી ખાસ વાંચો
અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ તાજેતરમાં એક મોટા ખુલાસામાં જણાવ્યું છે કે અંદાજે 10,000 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ શંકાસ્પદ કંપનીઓમાં કામ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ તેમના વિઝાના ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (OPT) ઘટકનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલે આઈસીઈના કાર્યકારી નિયામક ટોડ લ્યોન્સે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગંભીર વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે હેતુ માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, તેનો હવે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે.
શું છે આ OPT પ્રોગ્રામ?
સામાન્ય રીતે, જ્યારે કોઈ વિદ્યાર્થી F-1 વિઝા પર અમેરિકા ભણવા જાય છે, ત્યારે તેને તેના અભ્યાસના વિષય સંબંધિત પ્રેક્ટિકલ અનુભવ મેળવવા માટે OPT હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ 12 મહિના અને વિજ્ઞાન અથવા ટેકનોલોજી (STEM) ક્ષેત્રના વિદ્યાર્થીઓ વધારાના 24 મહિના સુધી અમેરિકામાં રહીને નોકરી કરી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ આ સમયગાળાનો ઉપયોગ કરીને આગળ જતાં H-1B વિઝા મેળવવાનો પ્રયત્ન કરે છે, જે તેમને અમેરિકામાં લાંબો સમય રહેવા અને કામ કરવાની તક આપે છે.
પ્રોગ્રામમાં છેતરપિંડી અને સુરક્ષા જોખમો
ટોડ લ્યોન્સે જણાવ્યું કે OPT પ્રોગ્રામ હવે “છેતરપિંડીનું કેન્દ્ર” બની ગયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લ્યોન્સના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ કરનારા લોકો માત્ર નોકરીની જ છેતરપિંડી નથી કરી રહ્યા, પરંતુ તેઓ જાસૂસી, બૌદ્ધિક સંપત્તિની ચોરી, જૈવિક જોખમો અને અમેરિકાના વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા કૌભાંડોમાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે અમેરિકા વિદેશી વિદ્યાર્થી કાર્યક્રમમાંથી ઉદ્ભવતા કોઈપણ પ્રકારના સુરક્ષા જોખમોને સહન કરશે નહીં. રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
ભારત સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો
તપાસ દરમિયાન ફેડરલ એજન્ટોએ જ્યારે વિવિધ કાર્યસ્થળોની મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ઘણા OPT લાભાર્થીઓ અમેરિકામાં હોવા છતાં તેમનું સંચાલન (Management) ભારત સ્થિત કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હતું. આ OPT પ્રોગ્રામના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન છે. નિયમ મુજબ, વિદ્યાર્થીએ જે કંપનીમાં કામ કરવાનું હોય ત્યાં તેને અમેરિકામાં રહીને જ તાલીમ અને માર્ગદર્શન મળવું અનિવાર્ય છે. જો ટ્રેનિંગ આપનાર વ્યક્તિ જ બીજા દેશમાં હોય, તો તે આ પ્રોગ્રામના હેતુને નિષ્ફળ બનાવે છે.
નાના પ્રોગ્રામમાંથી મોટું પાઇપલાઇન નેટવર્ક
OPT પ્રોગ્રામની શરૂઆત જ્યોર્જ ડબલ્યુ. બુશના વહીવટ દરમિયાન કરવામાં આવી હતી. તે સમયે એવી ધારણા હતી કે માત્ર થોડા હજાર તેજસ્વી વિદ્યાર્થીઓ આનો લાભ લેશે અને તાલીમ મેળવીને પોતાના દેશ પાછા ફરશે. જોકે, સમય જતાં આ પ્રોગ્રામ અપેક્ષા કરતાં ઘણો મોટો થઈ ગયો છે.
લ્યોન્સે કહ્યું કે, “OPT હવે એક અનિયંત્રિત ‘ગેસ્ટ વર્કર પાઇપલાઇન’ બની ગઈ છે, જેમાં લાખો વિદેશી વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. જેમ જેમ આ પ્રોગ્રામનું કદ વધ્યું છે, તેમ તેમ તેમાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચારમાં પણ વિસ્ફોટ થયો છે.”
વિદ્યાર્થીઓ પર શું અસર થશે?
આ કડક વલણને કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરીને કાયદેસર રીતે કામ કરી રહ્યા છે, તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વિદ્યાર્થી આવી શંકાસ્પદ કંપનીઓ સાથે જોડાયેલો માલૂમ પડશે, તો તેના વિઝા રદ થઈ શકે છે અને તેને દેશનિકાલ (Deportation) નો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં અમેરિકાના વિઝા મેળવવામાં પણ આવી વ્યક્તિઓને મોટી અડચણો આવી શકે છે.

