ભચાઉ: જૂના કટારિયા પાસે ટ્રક પલટી મારી જતા ભીષણ આગ, હાઈવે પર દોડધામ
ભચાઉના જૂના કટારિયા પાસે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકે સંતુલન ગુમાવતા પલટી મારી હતી, જેના કારણે ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
કેબિનમાંથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ, ટ્રક પલટી મારતાની સાથે જ તેની કેબિનમાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રકની ડીઝલ ટાંકી તથા આગળના ટાયરો પણ અગનજવાળાઓમાં લપેટાઈ ગયા હતા. વહેલી સવારના શાંત વાતાવરણમાં આગની જવાળાઓ જોઈ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર ફાઈટરોની જહેમત બાદ આગ પર કાબૂ
ઘટનાની જાણ થતા જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આ ભીષણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની તીવ્રતા એટલી હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા
અકસ્માત અને ત્યારબાદ લાગેલી આગને પગલે હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સ્થાનિક પોલીસ સ્ટાફ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને સુરક્ષાના ભાગરૂપે હાઈવેના એક તરફના રોડને કામચલાઉ બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો. ત્યારબાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને સ્થિતિને થાળે પાડવામાં આવી હતી.

