સુરત પોલીસની મોટી સફળતા: પોક્સો કેસનો ફરાર દોષિત અને આંતરરાજ્ય વાહન ચોર ગેંગ ઝડપાઈ
સુરત: સુરત શહેરની ઉત્રાણ પોલીસે ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક એવી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે જે રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સક્રિય હતી. આ ગેંગના માસ્ટરમાઈન્ડ અને પોક્સો કેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપીઓને પોલીસે દબોચી લેતા અનેક ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પોક્સો કેસનો ફરાર દોષિત ઝડપાયો
પોલીસની પકડમાં આવેલા આરોપીઓમાં એક એવો ગુનેગાર પણ સામેલ છે જે પોક્સો કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી મૂળ રાજસ્થાનના એક પ્રેમિકાના અપહરણ અને રેપ કેસનો દોષિત છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલો આ આરોપી આખરે ઉત્રાણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
લક્ઝરી કાર ચોરીની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
આ ગેંગ માત્ર અપહરણ જેવા ગુનાઓમાં જ નહીં, પરંતુ વાહન ચોરીમાં પણ માસ્ટરમાઈન્ડ હતી. આંતરરાજ્ય વાહન ચોર ગેંગ દ્વારા થાર, સ્કોર્પિયો અને ક્રેટા જેવી મોંઘી લક્ઝરી ગાડીઓની ચોરી કરવામાં આવતી હતી. આ ગેંગ રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં આતંક મચાવી રહી હતી. ઉત્રાણ પોલીસે અમદાવાદના અપહરણ કેસમાં ભોગ બનનાર સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડીને ગેંગનું આખું નેટવર્ક તોડી નાખ્યું છે.
પોલીસની તપાસમાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા
ઉત્રાણ પોલીસે આ કડક કાર્યવાહી કરીને માત્ર સુરત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં નોંધાયેલા અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. વાહન ચોરીના અનેક કેસો અને ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડથી પોલીસને મોટી રાહત મળી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ચોરી કરેલા વાહનો અને અન્ય ગુનાઓ અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

