ચીને કેમ ખરીદ્યું ₹૩.૪ લાખ કરોડનું સોનું? ડ્રેગનની ગુપ્ત વ્યૂહરચનાથી વૈશ્વિક માર્કેટમાં આર્થિક કટોકટીનો ફફડાટ
વૈશ્વિક રાજકારણ અને આર્થિક મોરચે હાલના દિવસોમાં જે પ્રચંડ હલચલ ચાલી રહી છે, તેણે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓની ઊંઘ ઉડાવી દીધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સરહદોથી લઈને સમુદ્ર સુધી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવી દીધા છે. ભવિષ્યની આ અણધારી અનિશ્ચિતતા વચ્ચે એશિયાના સૌથી મોટા ડ્રેગન એટલે કે ચીનની એક ગુપ્ત હિલચાલ પર આખા વિશ્વની નજર મંડાયેલી છે. ચીનની સેન્ટ્રલ બેંક જે રીતે અંધાધૂંધ સોનાનો ભંડાર ભેગો કરી રહી છે, તે જોતા બજારમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે શું ચીનને કોઈ બહુ મોટા વૈશ્વિક આર્થિક સંકટ અથવા મહાયુદ્ધની અગાઉથી જ ગંધ આવી ગઈ છે?
વૈશ્વિક ફાયનાન્સ માર્કેટમાંથી સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર ચીન તરફથી આવી રહ્યા છે. વિશ્વભરમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ અને ખાસ કરીને ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ગમે ત્યારે વૈશ્વિક આર્થિક મંદી આવવાની આશંકા સેવાઈ રહી છે. આ ભયાનક અનિશ્ચિતતાની વચ્ચે ચીનની મધ્યસ્થ બેંક ‘પીપલ્સ બેંક ઓફ ચાઇના’ (PBoC) એ પોતાના સોનાના સત્તાવાર ભંડારમાં પ્રચંડ વધારો કર્યો છે. સત્તાવાર આંકડા મુજબ, ચીને સતત ૧૯મા મહિને સોનાની આક્રમક ખરીદી ચાલુ રાખીને મે ૨૦૨૬ માં આશરે ૧૦ ટન સોનું પોતાની તિજોરીમાં ઉમેરી દીધું છે. આ નવી ખરીદી સાથે જ હવે ચીનનો કુલ સત્તાવાર ગોલ્ડ રિઝર્વ વધીને ૨,૩૩૧.૫ ટનના આશ્ચર્યજનક સ્તરે પહોંચી ગયો છે.
ફોરેક્સ રિઝર્વમાં નવેમ્બર ૨૦૧૫ પછીનો સૌથી મોટો ઉછાળો
ચીનની વિદેશી હૂંડિયામણ નિયમનકાર સંસ્થા ‘સેફ’ (SAFE) ના અહેવાલ અનુસાર, સોનાના ભંડારની સાથે સાથે ચીનનું કુલ વિદેશી વિનિમય ભંડાર (Forex Reserve) પણ વધીને $૩.૪૪ ટ્રિલિયન (આશરે ₹૨૮૫ લાખ કરોડથી વધુ) થઈ ગયું છે. આ આંકડો ગયા એપ્રિલ મહિના કરતાં $૩૧.૭ બિલિયન વધુ છે, જે નવેમ્બર ૨૦૧૫ પછીનું ચીનનું સૌથી સર્વોચ્ચ અને ઐતિહાસિક સ્તર દર્શાવે છે. છેલ્લા સળંગ ૧૦ મહિનાથી ચીનનું વિદેશી હૂંડિયામણ $૩.૩ ટ્રિલિયનની ઉપર મજબૂતાઈથી ટકી રહ્યું છે. આ અસાધારણ આર્થિક મજબૂતી પાછળ ચીનનો મજબૂત નિકાસ વેપાર જવાબદાર છે. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ ની વચ્ચે જ ચીનનો કુલ વિદેશી વેપાર ૧૫ ટકાના જંગી ઉછાળા સાથે $૨.૩૯ ટ્રિલિયનની સપાટીને વટાવી ગયો છે.
સામાન્ય જનતા અને સ્થાનિક રોકાણકારોમાં સોનાનો મોહ ભંગ!
જોકે, આ સિક્કાની બીજી બાજુ અત્યંત રોચક અને વિરોધાભાસી છે. એકતરફ જ્યાં ચીનની સરકાર અને સેન્ટ્રલ બેંક સોનાનો સંગ્રહ કરી રહી છે, ત્યાં બીજી તરફ ચીનના સામાન્ય નાગરિકો અને સ્થાનિક રોકાણકારો હવે સોનાથી અંતર જાળવી રહ્યા છે. ચીનના સ્થાનિક બજારમાં સોનાની માંગમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વિતેલા મહિનામાં ચીનના ૧૪ અગ્રણી ગોલ્ડ ઇટીએફ (Gold ETF) માંથી રોકાણકારોએ આશરે $૧.૪૮ બિલિયન (રૂપિયા ૧૨,૦૦૦ કરોડથી વધુ) પાછા ખેંચી લીધા છે. અગાઉ ચીની નાગરિકોમાં એવી વ્યૂહરચના હતી કે જ્યારે પણ સોનાના ભાવ ઘટે ત્યારે તે ખરીદી લેતા હતા, પરંતુ અત્યારે સોનાના ભાવોમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલી અસાધારણ વધઘટને કારણે લોકો હવે સોનામાં મોટી રકમ રોકતા ડરી રહ્યા છે.
શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ પરથી સોનાનો ઉપાડ અડધો થયો, શેર તૂટ્યા
બજારના આ નબળા સેન્ટિમેન્ટની સીધી અસર હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ચીનની મોટી-મોટી ગોલ્ડ માઇનિંગ અને જ્વેલરી કંપનીઓના શેર પર પડી છે, જેમાં ભારે વેચવાલીને કારણે તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ (SGE) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, મે મહિનામાં એક્સચેન્જ પરથી સોનાનો ભૌતિક ઉપાડ ઘટીને માત્ર ૬૩.૫ ટન જ રહ્યો છે. આ આંકડો માર્ચ મહિનાના ઉપાડ કરતાં સીધો અડધો છે અને ફેબ્રુઆરી ૨૦૨૦ (કોરોના કાળ) પછીનો સૌથી નીચો સ્તર દર્શાવે છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે ચીન સરકાર અમેરિકી ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા અને ભવિષ્યના કોઈપણ યુદ્ધ અથવા આર્થિક પ્રતિબંધોની સ્થિતિમાં પોતાની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે કાગળની કરન્સીના બદલે સોના જેવી નક્કર ધાતુ પર દાવ રમી રહી છે.

