નોએલ ટાટા vs એન. ચંદ્રશેખરન? જાણો રતન ટાટા પછી ટાટા ગ્રુપની કમાનને લઈને શું છે મોટો વિવાદ
દેશના સૌથી પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર બિઝનેસ ગ્રુપ્સમાં સામેલ ટાટા ગ્રુપ (Tata Group) હાલમાં લીડરશિપ, કોર્પોરેટ ગવર્નન્સ અને ટાટા સન્સના ભવિષ્યને લઈને એક મોટા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પૂર્વ ચેરમેન રતન ટાટાના અવસાન પછી આ ગ્રુપ સતત મીડિયા અને બિઝનેસ જગતમાં ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ કોઈ ધંધાકીય મંદી કે વેપારની નિષ્ફળતા નથી, પરંતુ કોર્પોરેટ ગવર્નન્સ અને ગ્રુપ પરના વર્ચસ્વનો મામલો છે.
9 ઓક્ટોબર 2024ના રોજ રતન ટાટાના અવસાન બાદ ટાટા ટ્રસ્ટ્સની કમાન નોએલ ટાટાના હાથમાં આવી હતી. ત્યારપછી ટાટા સંસ્થાના બોર્ડરૂમમાં પાવર કંટ્રોલને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

રતન ટાટા પછી ટાટા ગ્રુપમાં શું બદલાયું?
રતન ટાટાના જવાથી ટાટા ગ્રુપની અંદર કેટલીક એવી ઘટનાઓ બની છે, જેણે ટાટા ટ્રસ્ટ્સ અને હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ’ વચ્ચેના સંબંધો પર સવાલો ઊભા કર્યા છે. પ્રશ્ન એ થાય છે કે રતન ટાટાના જવાથી ગ્રુપમાં ખરેખર શું બદલાયું? આનો જવાબ કોઈ ફેક્ટરી કે કાર પ્લાન્ટમાં નહીં, પણ મુંબઈ સ્થિત ટાટા સન્સના બોર્ડરૂમમાં છુપાયેલો છે. ટાટા સન્સ એ કંપની છે જે આખા ટાટા ગ્રુપની મુખ્ય સ્ટીલ, આઈટી, ઓટોમોબાઈલ જેવી તમામ કંપનીઓનું સંચાલન કરે છે.
રતન ટાટાના સમયમાં ગ્રુપની સૌથી મોટી શક્તિ તેની એકજુટતા હતી. કોઈ પણ વિવાદમાં આખરી નિર્ણય કોનો રહેશે તે સ્પષ્ટ હતું. પરંતુ તેમના જવાથી પહેલીવાર જાહેર મંચ પર આ પ્રશ્ન ઊભો થયો છે કે ‘ટાટા’ નામના સામ્રાજ્યમાં આખરી નીતિ-નિયમ કોણ નક્કી કરશે.
9 ઓક્ટોબર 2024: લીડરશિપનું નવું સમીકરણ
રતન ટાટાના અવસાનથી ટાટા સન્સ અને ચેરિટેબલ ટ્રસ્ટ્સ વચ્ચેનો મહત્વનો પુલ તૂટી ગયો. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સની લગભગ 66% હિસ્સેદારી છે. રતન ટાટાના અવસાનના બે જ દિવસ બાદ તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટ્સના નવા ચેરમેન બનાવવામાં આવ્યા.
જોકે, અહીં એક મોટો ટેકનિકલ પેચ હતો. ટાટા સન્સના આંતરિક નિયમો મુજબ, ટાટા ટ્રસ્ટ્સનો ચેરમેન એક જ સમયે ટાટા સન્સનો ચેરમેન બની શકતો નથી. આથી નોએલ ટાટા માત્ર ટાટા સન્સમાં ડાયરેક્ટર બન્યા, જ્યારે એન. ચંદ્રશેખરન ટાટા સન્સના હોલ્ડિંગ હેડ તરીકે કાર્યરત રહ્યા.
IPO લાવવાનું દબાણ અને RBI ની મુદત
લીડરશિપના ફેરફાર વચ્ચે ટાટા સન્સ સામે બીજો મોટો મુદ્દો લિસ્ટિંગનો હતો. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ટાટા સન્સને ‘અપર-લેયર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની’ (NBFC) તરીકે વર્ગીકૃત કરી હતી. RBI ના નિયમ મુજબ આવી કંપનીઓએ સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટ (IPO) થવું ફરજિયાત હતું.
ટાટા સન્સ પબ્લિક થવા માંગતી ન હતી અને તેણે આમાંથી મુક્તિ (Exemption) માંગી હતી. ખાનગી કંપની જ રહેવા માટે જુલાઈ 2025 સુધીમાં ટાટા સન્સે ₹30,000 કરોડનું દેવું ચૂકવી દીધું, જેથી તે ટેકનિકલી ‘ડેટ ફ્રી’ બની ગઈ. પરંતુ RBI એ લિસ્ટિંગમાંથી કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો.
અંદરનો અસંતોષ અને પહેલો મોટો ટકરાવ
સપ્ટેમ્બર 2025માં યોજાયેલી એક બેઠકમાં ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેની આંતરિક ખેંચતાણ બહાર આવી, જ્યારે ટાટા સન્સના બોર્ડમાંથી ટ્રસ્ટના નોમિની વિજય સિંહને હટાવી દેવામાં આવ્યા. 7 માંથી 4 ટ્રસ્ટીઓએ તેમની સામે વિરોધ નોંધાવ્યો હતો. ફરિયાદ એ હતી કે બોર્ડમાં રહેલા ટ્રસ્ટના નોમિનીઓ બાકીના ટ્રસ્ટીઓને કંપનીના મહત્વના નિર્ણયો વિશે યોગ્ય માહિતી આપતા ન હતા.
ત્યારબાદ ઓક્ટોબર 2025માં નોએલ ટાટા અને બે સિનિયર ટ્રસ્ટીઓએ રતન ટાટાના નજીકના સાથી મહેલી મિસ્ટ્રીને કાયમી ટ્રસ્ટી બનાવવાનો વિરોધ કર્યો, જેનાથી કાનૂની વિવાદનો નવો મોરચો ખુલ્યો.

ફાઈનાન્શિયલ ખોટ અને ચેરમેનનું રાજીનામું
ફેબ્રુઆરી 2026માં એન. ચંદ્રશેખરનને વધુ 5 વર્ષની મુદત આપવા માટે બોર્ડમાં દરખાસ્ત આવી, પરંતુ અસંમતિના કારણે નિર્ણય અટકી ગયો. આ તરફ મે-જુલાઈ 2026માં ટાટા સન્સની નવી ડિજિટલ અને વેન્ચર કંપનીઓ (જેમ કે એર ઈન્ડિયા, ટાટા ડિજિટલ, એગ્રેતાસ) નો કુલ ખોટ નાણાકીય વર્ષ 2026માં વધીને ₹27,854 કરોડ પર પહોંચી ગયો, જે આગલા વર્ષે ₹15,311 કરોડ હતો. આ મોટો ઘાટો બોર્ડમાં ચિંતાનો વિષય બન્યો.
આ તમામ આંતરિક મતભેદો વચ્ચે ઓગસ્ટ 2026માં એન. ચંદ્રશેખરને જાહેરાત કરી કે ફેબ્રુઆરી 2027માં તેમનો કાર્યકાળ પૂરો થતાં જ તેઓ પદ છોડી દેશે. બોર્ડમાં સર્વસંમતિ ન હોવાને કારણે તેમણે આ નિર્ણય લીધો હતો, જેનાથી હવે નવા ચેરમેનની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
સૌથી મોટો વિવાદ: ટાટા સન્સનો IPO આવશે કે નહીં?
RBI ની કડક સૂચનાઓ હોવા છતાં ટાટા ટ્રસ્ટ્સ અને નોએલ ટાટા કંપનીને પ્રાઈવેટ જ રાખવા માંગે છે. ટાટા સન્સે પોતાનું NBFC રજીસ્ટ્રેશન જ સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી IPO ના લાવવો પડે. પરંતુ સપ્ટેમ્બર 2026માં RBI એ આ વિનંતી પણ ફગાવી દીધી છે.
RBI ના આ નિર્ણય બાદ હવે ટાટા સન્સ માટે IPO લાવવો અનિવાર્ય બની ગયો છે. 17 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ટાટા સન્સના બોર્ડની બેઠક પર હવે આખા દેશની નજર છે. હવે સવાલ એ નથી કે IPO આવશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે IPO ક્યારે અને કઈ રીતે રજૂ કરવામાં આવશે.
