સ્તન કેન્સરની શરૂઆત કિશોરાવસ્થાથી જ થાય છે? વાંચો આ આઘાતજનક ખુલાસો!
સ્તન કેન્સરને સામાન્ય રીતે મોટી ઉંમરની બીમારી માનવામાં આવે છે, પરંતુ તબીબી નિષ્ણાતો એક ગંભીર ચેતવણી આપી રહ્યા છે: આ રોગનાં જોખમો જીવનના ખૂબ જ વહેલા તબક્કે, એટલે કે કિશોરાવસ્થામાં જ શરૂ થઈ શકે છે. ખાસ કરીને કિશોરીઓમાં વધતું જતું મેદસ્વીપણું (Obesity) ભવિષ્યમાં સ્તન કેન્સરના જોખમમાં વધારો કરી શકે છે, જે ચિંતાનો વિષય છે.
મેદસ્વીપણું અને કેન્સર વચ્ચેનો સંબંધ
KIMS હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, ડૉ. વી. શ્રીકાંત રેડ્ડીના મતે, કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં રહેલી ચરબી માત્ર કેલરીનો સંગ્રહ નથી કરતી. તે એક સક્રિય અંતઃસ્ત્રાવી અંગ (Endocrine Organ) તરીકે કામ કરે છે, જે ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સ અને સોજો પેદા કરતા રસાયણો ઉત્પન્ન કરે છે.
કિશોરાવસ્થા એ સ્તન વિકાસનો અત્યંત મહત્વનો સમયગાળો છે. આ દરમિયાન શરીરમાં વધુ પડતી ચરબી હોવાથી હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે, જે લાંબા ગાળે કેન્સરના કોષોને વધવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
કઈ જીવનશૈલી જોખમ વધારે છે?
આજના સમયમાં કિશોરોની જીવનશૈલીમાં આવેલા બદલાવ મેદસ્વીપણા માટે મુખ્ય જવાબદાર છે:
-
શારીરિક શ્રમનો અભાવ: સતત બેસી રહેવાની આદત અને રમતોમાં ઓછી રુચિ.
-
સ્ક્રીન ટાઇમ: મોબાઈલ કે ટીવી સામે વધુ સમય વિતાવવો.
-
ખોટી ખાણી-પીણી: પ્રોસેસ્ડ ફૂડ, ઠંડા પીણાં અને જંક ફૂડનું વધુ પડતું સેવન.
-
અનિદ્રા અને તણાવ: અપૂરતી ઊંઘ અને અભ્યાસ કે અન્ય કારણોસર થતો માનસિક તણાવ ‘ઇમોશનલ ઇટિંગ’ તરફ દોરે છે.
ઇન્સ્યુલિન અને સોજા (Inflammation) ની ભૂમિકા
મેદસ્વીપણાને કારણે શરીરમાં ઇન્સ્યુલિન અને IGF-1 નામના તત્વોનું પ્રમાણ વધે છે. ડૉ. રેડ્ડી સમજાવે છે કે, “આ તત્વો કોષોના અનિયંત્રિત વિભાજનનું કારણ બની શકે છે અને શરીરની અસ્વસ્થ કોષોને દૂર કરવાની કુદરતી પ્રક્રિયાને ધીમી પાડી દે છે.” સાથે જ, શરીરમાં રહેલો કાયમી સોજો (Chronic inflammation) ડીએનએમાં ફેરફાર કરે છે, જે ભવિષ્યમાં કેન્સરના જોખમને આમંત્રણ આપે છે.
આ ઉપરાંત, કિશોરાવસ્થામાં થતું મેદસ્વીપણું PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) અને ટાઈપ-2 ડાયાબિટીસ જેવી સમસ્યાઓ જન્માવે છે, જે હોર્મોનલ સંતુલનને વધુ બગાડે છે.
લક્ષણોને ઓળખો અને સાવધ રહો
સૈફી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. શેહઝિયા લાખાણી જણાવે છે કે, ઘણીવાર સ્તન કેન્સરના શરૂઆતના સંકેતોને સ્ત્રીઓ અવગણી દે છે. તેમણે ખાસ ભાર મૂક્યો કે:
-
સ્તનમાં કોઈ પણ ગાંઠ (પછી તે દુખાવો કરતી હોય કે ન હોય) તેને ગંભીરતાથી લેવી જોઈએ.
-
સ્તનનો આકાર બદલાવો કે ત્વચાના ટેક્સચરમાં ફેરફાર દેખાવો.
-
સ્તનમાંથી લોહી જેવું પ્રવાહી નીકળવું.
-
સ્તનમાં લાંબા સમય સુધી અસ્વસ્થતા અનુભવવી.
યાદ રાખો, પીડા વગરની ગાંઠ ઘણીવાર વધુ જોખમી હોઈ શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લેવામાં મોડું ન કરવું. સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી મેમોગ્રાફી જેવા સ્ક્રીનિંગની સલાહ આપવામાં આવે છે, પરંતુ કૌટુંબિક ઈતિહાસ હોય તો વહેલી તપાસ કરાવી લેવી હિતાવહ છે.
આપણે શું કરી શકીએ?
નિષ્ણાતોના મતે, કિશોરાવસ્થામાં જ યોગ્ય ટેવો કેળવીને આ જોખમને ઘટાડી શકાય છે:
-
રોજિંદી કસરત: ઓછામાં ઓછી 60 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કે કસરત.
-
પૌષ્ટિક આહાર: ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનયુક્ત ખોરાક પર ભાર.
-
માનસિક સ્વાસ્થ્ય: તણાવ વ્યવસ્થાપન અને પૂરતી ઊંઘ.
-
નિયમિત ચેક-અપ: શરીરના વજન અને અન્ય સ્વાસ્થ્ય સૂચકાંકો પર નજર રાખવી.

