35,000 કરોડનો ખેલ! ભારતીય અર્થતંત્રમાં આવી મોટી સુનામી, જાણો શું છે સરકારની નવી રણનીતિ
ભારતીય અર્થતંત્ર અને નાણાકીય બજાર માટે જૂન મહિનો એક અત્યંત સકારાત્મક વળાંક લઈને આવ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ભારતીય સરકારી બોન્ડ્સમાં આંધળો પ્રેમ વરસાવી રહ્યા છે. તાજેતરના આંકડાઓ મુજબ, આ મહિને અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડ્સમાં લગભગ 35,000 કરોડ રૂપિયાનુંંગી રોકાણ કર્યું છે. આ આંકડો માત્ર રોકાણનો નથી, પરંતુ તે ભારતીય નાણાકીય નીતિઓ અને ટેક્સ રિફોર્મ્સ પર વૈશ્વિક રોકાણકારોના વધતા વિશ્વાસની સાક્ષી પૂરે છે.
રોકાણનો આ આંકડો શું કહે છે?
ભારતીય ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (CCIL) ના તાજા આંકડાઓ ખૂબ જ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. આ તમામ રોકાણ ભારતીય સરકારી જામીનગીરીઓના ‘ફુલી એક્સેસિબલ રૂટ’ (FAR) હેઠળ કરવામાં આવ્યું છે. આ રૂટની ખાસિયત એ છે કે તે વિદેશી રોકાણકારોને કોઈપણ પ્રકારની રોકાણ મર્યાદા વગર ભારત સરકારની નિર્ધારિત મુદતની સિક્યોરિટીઝમાં પૈસા લગાવવાની છૂટ આપે છે.
જો આપણે સરખામણી કરીએ, તો 3 જૂનના રોજ FAR સિક્યોરિટીઝમાં વિદેશી રોકાણકારોની કુલ ભાગીદારી 3.23 લાખ કરોડ રૂપિયા હતી, જે મંગળવાર સુધીમાં વધીને 3.58 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં 35,000 કરોડ રૂપિયાનો જંગી ઉછાળો સૂચવે છે કે વિદેશી સંસ્થાઓ ભારત તરફ આકર્ષાઈ રહી છે. આ આંકડાઓને મે અને એપ્રિલ સાથે સરખાવો તો તફાવત સ્પષ્ટ દેખાય છે, જ્યાં રોકાણ અનુક્રમે 5,512 કરોડ અને 5,262 કરોડ રૂપિયા રહ્યું હતું. ખાસ કરીને માર્ચ મહિનામાં જ્યારે 17,687 કરોડ રૂપિયાની ઉપાડ (Outflow) જોવા મળી હતી, તે પછી આ જોરદાર કમબેક ખૂબ જ મહત્વનું છે.
સરકારના ટેક્સ રિફોર્મ્સ: રમત બદલનારો નિર્ણય
આટલા મોટા પાયે રોકાણ આવવા પાછળનું સૌથી મોટું કારણ સરકાર દ્વારા લેવાયેલું એક કડક પગલું છે. 5 જૂનના રોજ સરકારે આવકવેરા અધિનિયમમાં સુધારો કરતો એક વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમ મુજબ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસે રહેલી સરકારી સિક્યોરિટીઝના વેચાણ, વિનિમય કે હસ્તાંતરણથી થતી વ્યાજની આવક અને મૂડી લાભ (Capital Gains) પર ટેક્સમાંથી મોટી છૂટ આપવામાં આવી છે.
સરકારનો આ નિર્ણય માત્ર ઉદારતા નથી, પરંતુ એક વ્યૂહાત્મક પગલું છે. આ છૂટ 1 એપ્રિલ, 2025 થી લાગુ ગણાશે. સરકારનું મુખ્ય લક્ષ્ય દેશી બોન્ડ માર્કેટમાં વધુમાં વધુ વિદેશી મૂડી આકર્ષવાનું છે. જ્યારે વૈશ્વિક સ્તરે નાણાકીય દબાણ હોય, ત્યારે આ પ્રકારનું પગલું ભારતીય રૂપિયાને મજબૂત કરવામાં અને દેશના વિદેશી મુદ્રા ભંડારને સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પહેલા ટેક્સની સ્થિતિ શું હતી?
આ સમજવું જરૂરી છે કે શા માટે રોકાણકારો આટલા ઉત્સાહિત છે. અગાઉ, વિદેશી રોકાણકારોએ 12 મહિનાથી વધુ સમય માટે રાખેલા લિસ્ટેડ શેરો અને બોન્ડ્સ પર 12.5 ટકાનો ‘લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ’ (LTCG) ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત, સરકારી બોન્ડ્સ પર મળતા વ્યાજ પર 20 ટકાનો વિથહોલ્ડિંગ ટેક્સ (TDS) પણ લાગતો હતો. આ ટેક્સના ભારણને કારણે રોકાણકારોનું ચોખ્ખું વળતર ઘટી જતું હતું. હવે આ નવા સુધારાઓથી રોકાણકારોના હાથમાં વધુ નફો રહેશે, જે તેમને ભારત તરફ ખેંચી લાવે છે.
આરબીઆઈનો સપોર્ટ અને ભવિષ્યની દિશા
ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ આ પ્રક્રિયામાં ખૂબ સક્રિય છે. તાજેતરની મોનેટરી પોલિસીમાં, આરબીઆઈએ FAR હેઠળ ઉપલબ્ધ સિક્યોરિટીઝના દાયરાને વધાર્યો છે. હવે તેમાં 15, 30 અને 40 વર્ષની મુદતવાળી સરકારી સિક્યોરિટીઝના નવા નિર્ગમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, કેન્દ્રીય બેંકે સામાન્ય માર્ગ હેઠળ એફપીઆઈ રોકાણ માટેની અગાઉની ઘણી મર્યાદાઓને પણ હટાવી દીધી છે.

