દીકરીના ભવિષ્ય માટે કરી રહ્યા છો પ્લાનિંગ? આ 5 તફાવત જાણવા ખૂબ જરૂરી છે!
દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેઓ તેમના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે પૂરતી આર્થિક વ્યવસ્થા કરી શકે. આ માટે રોકાણના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગના માતા-પિતા મૂંઝવણમાં હોય છે કે સરકારી યોજના ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) વધુ સારી છે કે બેંકમાં બાળકો માટે ખાસ બનાવવામાં આવેલી ‘ફિક્સ્ડ ડિપોઝિટ’ (FD). આ બંને વિકલ્પો પોતપોતાની રીતે સુરક્ષિત છે, પરંતુ તે પાત્રતા, વળતર, ટેક્સના નિયમો અને રોકાણની અવધિની બાબતમાં એકબીજાથી તદ્દન અલગ પડે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY): દીકરીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ
સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકારની એક વિશેષ યોજના છે, જે ફક્ત દીકરીઓ માટે જ ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે આ યોજના પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જે અન્ય ઘણી પરંપરાગત બચત યોજનાઓ કરતા વધારે છે.
-
પાત્રતા અને રોકાણ: તમે તમારી દીકરીની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધીમાં આ ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમે વર્ષે ન્યૂનતમ ₹250 થી લઈને મહત્તમ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
-
સમયગાળો: આ યોજનામાં તમારે 15 વર્ષ સુધી રોકાણ કરવાનું રહે છે, જ્યારે ખાતું દીકરીના 21 વર્ષ પૂર્ણ થાય ત્યારે મેચ્યોર (પરિપક્વ) થાય છે.
-
ટેક્સના ફાયદા: આ યોજનાનો સૌથી મોટો ફાયદો તેનો ‘EEE’ (Exempt-Exempt-Exempt) ટેક્સ સ્ટેટસ છે. એટલે કે, રોકાણ કરેલી રકમ પર આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ મળે છે, મળતું વ્યાજ ટેક્સ ફ્રી છે, અને મેચ્યોરિટી વખતે મળતી સમગ્ર રકમ પણ સંપૂર્ણ ટેક્સ-ફ્રી હોય છે.
બાળકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD): સરળતા અને સુગમતા
જો તમારી પાસે દીકરો છે, અથવા તમે એવી યોજના શોધી રહ્યા છો જેમાં પૈસાની જરૂરિયાત મુજબ ઉપાડ કરી શકાય, તો બાળકો માટેની ફિક્સ્ડ ડિપોઝિટ એક સારો વિકલ્પ છે.
-
કોણ રોકાણ કરી શકે? આ યોજનાઓ છોકરા અને છોકરી બંને માટે ઉપલબ્ધ છે. બેંકો દ્વારા બાળકો માટે ખાસ સ્કીમ ચલાવવામાં આવે છે જે લાંબાગાળાનું આયોજન કરવામાં મદદ કરે છે.
-
વળતર અને સુગમતા: યસ બેંક (Yes Bank) જેવી બેંકો બાળકો માટે FD પર 8% સુધીનું વ્યાજ આપે છે. આ યોજનાઓમાં સૌથી મોટો ફાયદો ‘પ્રી-મેચ્યોર વિડ્રોઅલ’ (સમય પહેલા પૈસા ઉપાડવા) અને ‘ઓવરડ્રાફ્ટ’ જેવી સુવિધાઓનો છે, જે કટોકટીના સમયે કામ લાગે છે.
-
મર્યાદાઓ: સુકન્યા સમૃદ્ધિ યોજનાની સરખામણીમાં બાળકોની FD માં ટેક્સના ફાયદા મર્યાદિત હોય છે. જે વ્યાજ મળે છે તે તમારી આવક તરીકે ગણાય છે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ લાગી શકે છે.
વ્યાજ દરની સરખામણી (એક નજર)
| યોજનાનું નામ | વ્યાજ દર | વ્યાજની ગણતરી |
| સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) | 8.2% | વાર્ષિક |
| પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) | 7.1% | વાર્ષિક |
| બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) | 6.0% – 8.0% | બેંક મુજબ અલગ |
કયો વિકલ્પ તમારા માટે યોગ્ય છે?
અંતે નિર્ણય તમારા આર્થિક લક્ષ્યો પર નિર્ભર કરે છે:
-
જો તમારી દીકરી છે: તો સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તેમાં વ્યાજ દર વધારે છે, સરકારની સુરક્ષા છે અને ટેક્સમાં મોટો ફાયદો મળે છે. લાંબાગાળાના આયોજન માટે આનાથી વધુ સારો વિકલ્પ મળવો મુશ્કેલ છે.
-
જો તમને સુગમતા જોઈએ છે: જો તમે ઈચ્છો છો કે જરૂર પડે ત્યારે તમે તમારા રોકાણમાંથી પૈસા ઉપાડી શકો, તો બેંકની ચિલ્ડ્રન FD પસંદ કરવી વધુ હિતાવહ છે. તે છોકરાઓ માટે પણ ખુલ્લી છે અને તમે તમારી સુવિધા મુજબ રોકાણ કરી શકો છો.

