પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર! વોટ્સએપ મેસેજ મોકલવાથી તમને આ કાર્યો પૂર્ણ કરવામાં મદદ મળશે
સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ અને પીએફ (PF) ખાતાધારકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની સેવાઓને વધુ આધુનિક, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે સતત મોટા પગલાં ભરી રહ્યું છે. પોર્ટલના સુધારા અને દાવાની પ્રક્રિયા સરળ બનાવ્યા બાદ, હવે ઇપીએફઓ ટૂંક સમયમાં વોટ્સએપ પર ખાસ એઆઈ-સંચાલિત (AI-powered) ચેટબોટ સેવા શરૂ કરવા જઈ રહ્યું છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના કરોડો પીએફ ખાતાધારકો અને પેન્શનરોની સુવિધા માટે સેવાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરી રહ્યું છે. વેબસાઇટ અને પોર્ટલમાં ટેકનિકલ સુધારા કર્યા બાદ, હવે ઇપીએફઓ તેના ખાતાધારકો માટે ઓગસ્ટ ૨૦૨૬ થી વોટ્સએપ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
આ સુવિધા શરૂ થયા બાદ પીએફ ધારકોએ નાની-નાની વિગતો મેળવવા માટે ઓફિસના ચક્કર કાપવા નહીં પડે કે પછી કોલ સેન્ટરની રાહ જોવી નહીં પડે. માત્ર પોતાના મોબાઇલ પરથી એક વોટ્સએપ મેસેજ કરીને બેંકિંગની જેમ પીએફ બેલેન્સ, માસિક યોગદાન અને ક્લેમ સ્ટેટસની માહિતી ૨૪ કલાક મેળવી શકાશે.

વોટ્સએપ ચેટબોટ પર કઈ-કઈ સેવાઓ મળશે?
અહેવાલો અનુસાર, ઇપીએફઓનો આ એઆઈ-સંચાલિત ચેટબોટ પીએફ ધારકોના રોજિંદા પ્રશ્નોના જવાબો આપવા માટે સતત ૨૪ કલાક કાર્યરત રહેશે. જ્યારે સભ્ય પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે લિંક થયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મેસેજ કરશે, ત્યારે સિસ્ટમ તેને ઓળખીને સુરક્ષિત વિકલ્પો પ્રદર્શિત કરશે.
આ ચેટબોટ દ્વારા ખાતાધારકો નીચે મુજબની સેવાઓનો લાભ મેળવી શકશે:
-
પીએફ ખાતાનું અદ્યતન બેલેન્સ જાણવું.
-
છેલ્લે જમા થયેલા માસિક યોગદાન અને ક્રેડિટ થયેલા વ્યાજની વિગત મેળવવી.
-
પીએફ એડવાન્સ કે ફાઇનલ ઉપાડ માટે મૂકેલા દાવાની (Claim Status) પ્રક્રિયા ક્યાં પહોંચી તે જાણવું.
-
આધાર વેરિફિકેશન, બેંક એકાઉન્ટ કેવાયસી (KYC) અપડેટ કે અન્ય જરૂરી સુધારાઓ અંગેની ચેતવણી અને નોટિફિકેશન મેળવવી.
વિશેષ બાબત એ છે કે આ સિસ્ટમ પ્રાદેશિક ભાષાઓમાં પણ સેવા વિકલ્પો પ્રદાન કરશે, જેથી દેશના વિવિધ ભાગોમાં વસતા તમામ કર્મચારીઓ પોતાની માતૃભાષામાં સરળતાથી વાતચીત કરી શકે.

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ મહત્વપૂર્ણ પહેલ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય કર્મચારીઓને થતી અગવડતાઓ દૂર કરવાનો અને સરકારી કચેરીઓ કે કોલ સેન્ટરો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
માંડવિયાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, સભ્યોએ ફક્ત EPFO ના સત્તાવાર અને રજિસ્ટર્ડ વોટ્સએપ નંબર પર “Hello” અથવા “Hi” લખીને મેસેજ મોકલવાનો રહેશે. ખાતાધારકોની સુરક્ષા અને સાયબર ફ્રોડથી બચાવવા માટે ઇપીએફઓના આ અધિકૃત નંબરને ગ્રીન બેજ (Green Tick) થી ચિહ્નિત કરવામાં આવશે, જેથી દરેક નાગરિક સુનિશ્ચિત થઈ શકે કે તે અધિકૃત પોર્ટલ સાથે જ સંવાદ કરી રહ્યો છે.
હાલમાં દેશની મોટાભાગની અગ્રણી સરકારી અને ખાનગી બેંકો વોટ્સએપ બેંકિંગ સેવાઓ પૂરી પાડી રહી છે. હવે ઇપીએફઓ દ્વારા આ પગલું ભરવામાં આવતા દેશના કરોડો નોકરીયાતોનું જીવન વધુ આસાન બનશે અને પીએફ સંબંધિત માહિતી મેળવવી ક્ષણભરની રમત બની જશે.