ફાધર થોમસથી લઈને ચર્ચ ટેકઓવર સુધી, જાણો અમેરિકી સાંસદના વિવાદાસ્પદ નિવેદનની અંદરની વાત
Breaking ભારતની સંસદમાં રજૂ કરવામાં આવેલા ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૬ (FCRA Amendment Bill 2026) પર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ ગરમાયું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને વેસ્ટ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મોરે (Riley Moore) આ બિલ અંગે અત્યંત આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારતના આ નવા પ્રસ્તાવિત કાયદાને “ખ્રિસ્તીઓ પર સીધો હુમલો” ગણાવ્યો છે અને સાથે જ ચેતવણી આપી છે કે જો આ બિલ વર્તમાન સ્વરૂપમાં પસાર થશે, તો તે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
અમેરિકી સાંસદ રાઇલી મોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ભારતમાં ખ્રિસ્તી ધર્મના સદીઓ જૂના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે, “પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના થોડા જ દાયકાઓ પછી સેન્ટ થોમસ ધ એપોસ્ટલ મલબાર કિનારે (કેરળ) આવ્યા હતા અને ત્યારથી ભારતમાં ખ્રિસ્તી સમુદાય શાંતિપૂર્વક રહે છે. આટલો લાંબો ઈતિહાસ હોવા છતાં, ભારતની સંસદ હવે FCRA નિયમોમાં એવા સુધારા કરવા જઈ રહી છે જેનાથી સરકારને ચર્ચ અને ધાર્મિક ચેરિટીઝનો વહીવટ પોતાના હાથમાં લેવાની સત્તા મળી જશે.”
શું છે આ નવું FCRA Amendment Bill 2026?
ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલમાં એવા નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન્સ (NGO), ટ્રસ્ટ અને ધાર્મિક સંસ્થાઓ પર કડકાઈ કરવાનો પ્રસ્તાવ છે જે વિદેશથી નાણાકીય દાન મેળવે છે.
નવા બિલની સૌથી મહત્વની અને વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, સરકાર એક ‘ડેઝિગ્નેટેડ ઓથોરિટી’ (Designated Authority) ની રચના કરશે. જો કોઈ સંસ્થાનું FCRA લાયસન્સ રદ થાય, સંસ્થા પોતે તેને સરન્ડર કરે અથવા સમયસર રિન્યુ ન કરાવી શકે, તો તે સંસ્થાની વિદેશી ફંડથી ઊભી કરાયેલી મિલકતો, ચર્ચ, શાળાઓ અને હોસ્પિટલોનો વહીવટ આ સરકારી ઓથોરિટી હસ્તક જતો રહેશે.
જોકે, બિલમાં એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે જો આવી મિલકતમાં કોઈ પૂજાસ્થળ (ચર્ચ કે મંદિર) હોય, તો તે ઓથોરિટીએ તે સ્થાનનું ધાર્મિક સ્વરૂપ જાળવી રાખવું પડશે. પરંતુ વિવેચકો અને વિદેશી ચર્ચ જૂથોનું કહેવું છે કે આ કાયદાના બહાને સરકાર હજારો સંસ્થાઓની અબજો રૂપિયાની મિલકતો પર કબજો જમાવી શકે છે.

અમેરિકી સાંસદના ગુસ્સાનું મુખ્ય કારણ શું છે?
અમેરિકા અને યુરોપના અનેક ખ્રિસ્તી સંગઠનો ભારતમાં હોસ્પિટલો, શાળાઓ, અનાથાશ્રમો અને સામાજિક કલ્યાણના કામો માટે દર વર્ષે કરોડો રૂપિયાનું દાન મોકલે છે. ૨૦૧૯ થી ૨૦૨૨ વચ્ચે જ ભારતીય સંસ્થાઓને ₹૫૫,૭૪૧ કરોડથી વધુનું વિદેશી ફંડ મળ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે નિયમોના ભંગ અને ગેરકાયદે ધર્માંતરણના આરોપોસર ૨૨,૦૦૦ થી વધુ NGO ના લાયસન્સ રદ કર્યા છે. હવે નવા કાયદા હેઠળ જો કોઈ સંસ્થાનું લાયસન્સ રદ થાય, તો તેની દાયકાઓ જૂની મિલકત સરકાર જપ્ત કરી શકશે. અમેરિકી સાંસદ રાઇલી મોર અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા જૂથોને ડર છે કે આ કાયદાનો ઉપયોગ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ અને તેમની સેવાકીય સંસ્થાઓને નિશાન બનાવવા માટે થઈ શકે છે.
ભારત સરકારનો પક્ષ અને સ્થાનિક પ્રતિક્રિયાઓ
અમેરિકી સાંસદના આ આકરા નિવેદન બાદ ભારતમાં પણ તેના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારત સરકાર અને કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ બિલનો હેતુ ધાર્મિક ભેદભાવ કરવાનો નથી, પરંતુ વિદેશી ફંડિંગમાં પારદર્શિતા લાવવાનો અને દેશના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે.
ઘણા ભારતીય યુઝર્સે સોશિયલ મીડિયા પર અમેરિકી સાંસદના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે, ભારત પોતાના આંતરિક કાયદાઓ બનાવવા માટે સક્ષમ છે અને કોઈપણ વિદેશી દેશ કે સાંસદે ભારતના સાર્વભૌમત્વ અને કાયદાકીય પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. સરકારનું કહેવું છે કે વિદેશી નાણાંનો દુરુપયોગ રોકવા અને મની લોન્ડરિંગ અટકાવવા માટે આ કડક સુધારા અત્યંત જરૂરી છે.
એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે સંબંધો મજબૂત થઈ રહ્યા છે, ત્યારે FCRA કાયદા અંગે અમેરિકી લોમેકર્સનો આ વિરોધ ભવિષ્યમાં બંને દેશોના રાજદ્વારી સંબંધો પર કેવો પ્રભાવ પાડે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.