ગમે ત્યારે પેઇનકિલર ખાવાની ટેવ છે? જાણો તમારા લીવર પર થતી આ ગંભીર અસર વિશે
આજના દોડધામભર્યા જીવનમાં માથાનો દુખાવો, કામનો થાક, વધતી ઉંમરે સાંધાનો દુખાવો કે તાવ સાથે શરીરમાં થતા કળતરથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો સૌથી પહેલા પેઇનકિલર્સ તરફ વળે છે. તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈપણ મેડિકલ સ્ટોર પરથી આ દવાઓ સરળતાથી મળી જતી હોવાથી, લોકો યોગ્ય માત્રાનું ધ્યાન રાખ્યા વગર લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ સામાન્ય લાગતી આદત તમારા લીવરને ગંભીર અને કાયમી નુકસાન પહોંચાડી શકે છે?
પીએસઆરઆઈ (PSRI) હોસ્પિટલના જીઆઈ સર્જરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. ભૂષણ ભોલેના જણાવ્યા અનુસાર, જ્યારે યોગ્ય માત્રામાં અને તબીબી સલાહ મુજબ ઉપયોગ કરવામાં આવે ત્યારે પેઇનકિલર્સ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પરંતુ તેનો બેફામ અને અનિયંત્રિત ઉપયોગ લીવરના સ્વાસ્થ્ય પર અત્યંત ખરાબ અસર કરે છે.

પેરાસિટામોલ: સલામત પણ જોખમી!
ડૉ. ભોલેએ સમજાવ્યું કે, ઓવર-ધ-કાઉન્ટર (OTC) મળતી દવાઓમાં લીવર માટે સૌથી મોટો ખતરો પેરાસિટામોલનો વધુ પડતો વપરાશ છે. જો નિયત માત્રામાં લેવામાં આવે તો પેરાસિટામોલ સંપૂર્ણપણે સલામત દવા છે. પરંતુ દરરોજની નિર્ધારિત મર્યાદા ઓળંગવાથી અથવા એક સાથે પેરાસિટામોલ ધરાવતી વિવિધ દવાઓ લેવાથી લીવર ફેલ્યોર થવાનું જોખમ રહેલું છે.
ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે તાવ, સામાન્ય શરદી અને ફ્લૂ માટે મળતી મિક્સ દવાઓમાં પેરાસિટામોલ મુખ્ય ઘટક તરીકે હાજર હોય છે. જ્યારે દર્દી એકસાથે શરદી અને તાવ બંનેની અલગ-અલગ દવાઓ લે છે, ત્યારે શરીરમાં અજાણતાં જ પેરાસિટામોલનું પ્રમાણ સલામત મર્યાદા કરતાં વધી જાય છે. આ સિવાય આઇબુપ્રુફેન, ડાયક્લોફેનાક અને નેપ્રોક્સેન જેવી એનએસએઆઈડી (NSAIDs) દવાઓ સામાન્ય રીતે પેટના અલ્સર કે કિડની પર અસર કરે છે, પણ ક્યારેક તે પણ લીવર પર ગંભીર આડઅસરો ઊભી કરી શકે છે.

આ બાબતો વધારી દે છે લીવર ખરાબ થવાનું જોખમ
કેટલીક પરિસ્થિતિઓમાં પેઇનકિલરના ઉપયોગથી લીવર ફેલ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે:
-
પેરાસિટામોલ કે અન્ય પેઇનકિલરની ભલામણ કરેલ દૈનિક મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં સેવન કરવું.
-
એક જ સમયે પેરાસિટામોલનું મિશ્રણ ધરાવતી મલ્ટિપલ દવાઓ લેવી.
-
જેમને નિયમિતપણે આલ્કોહોલ (દારૂ) પીવાની આદત હોય અથવા જેઓ પહેલાથી જ ફેટી લીવર કે લીવરની અન્ય બીમારીથી પીડાય છે.
-
ડોક્ટરની દેખરેખ વગર મહિનાઓ સુધી સતત દુખાવાની દવાઓ ગળવી.
-
વધતી ઉંમરના વૃદ્ધો અથવા અત્યંત ઓછું વજન ધરાવતા દર્દીઓ દ્વારા આડેધડ દવાઓનો ઉપયોગ.
દવાના પેકિંગ પર આપેલા લેબલને કાળજીપૂર્વક વાંચવાથી અને કોઈપણ નાની-મોટી તકલીફમાં બિનજરૂરી દવાઓ ટાળવાથી આ જોખમોથી બચી શકાય છે.
પેઇનકિલર વિના કાયમી કંટ્રોલ કેવી રીતે મેળવવો?
તબીબો સ્પષ્ટપણે માને છે કે પેઇનકિલર્સ ફક્ત ક્ષણિક રાહત આપે છે, તે રોગનો કાયમી ઉકેલ નથી. જો તમને વારંવાર માથાનો, સાંધાનો કે પીઠનો દુખાવો રહેતો હોય, તો દવાઓ પર નિર્ભર રહેવાને બદલે તેના મૂળ કારણની સારવાર કરાવવી જોઈએ.
દવાઓનો ઉપયોગ ઘટાડવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે જીવનશૈલીમાં નીચે મુજબના ફેરફારો કરવા જોઈએ:
૧. નિયમિત કસરત અને સ્ટ્રેચિંગ: સ્નાયુઓની મજબૂતી અને સાંધાની ફ્લેક્સિબિલિટી જાળવવા રોજ હળવી કસરત કરો.
૨. ફિઝીયોથેરાપી: ક્રોનિક ગરદન, કમર કે ગોઠણના દુખાવામાં ફિઝીયોથેરાપી અત્યંત અસરકારક સાબિત થાય છે.
૩. વજન પર નિયંત્રણ: વધારાનું વજન ઘટાડવાથી ગોઠણ અને સાંધા પરનો તણાવ ઘટે છે.
૪. પૂરતી ઊંઘ અને હાઇડ્રેશન: દરરોજ ૭ થી ૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
૫. સ્ટ્રેસ મેનેજમેન્ટ: યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા માનસિક તણાવ ઓછો કરો.
૬. આઇસ/હોટ પેક: સ્નાયુઓના દુખાવા માટે ગરમ કે ઠંડા શેકનો ઉપયોગ કરો.