સુરત: જહાંગીરપુરા પોલીસે સોમવારી બજારમાંથી સોનાની ચેઈન તસ્કરોને ઝડપી પાડી, રૂ. ૨ લાખની મત્તા જપ્ત
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ભરાતી સોમવારી બજારમાં ભીડનો લાભ ઉઠાવી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન સેરવી લેતી શાતિર મહિલા ચોર ટોળકીનો જહાંગીરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતની ૧૫ ગ્રામ સોનાની ચેઈન કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભીડનો લાભ ઉઠાવી મહિલાના ગળામાંથી ૨ લાખની સોનાની ચેઈન ચોરાઈ
મળતી માહિતી મુજબ, જહાંગીરપુરા વિસ્તારમાં સોમવારી બજાર ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતા હોય છે. આ ભીડભાડ વાળા વાતાવરણનો ગેરલાભ ઉઠાવીને તસ્કર મહિલાઓએ એક મહિલા ગ્રાહકને નિશાન બનાવી હતી. શાતિર મહિલાઓએ નજર ચૂકવીને પીડિત મહિલાના ગળામાંથી રૂ. ૨,૦૦,૦૦૦ ની મત્તા ધરાવતી ૧૫ ગ્રામ વજનની સોનાની ચેઈન ચોરી લીધી હતી. બનાવ અંગે મહિલાને જાણ થતાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ગુનો ઉકેલાયો
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જહાંગીરપુરા પોલીસ સર્વેલન્સ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ બારીકાઈથી ચકાસ્યા હતા. સીસીટીવી વિશ્લેષણ અને ખાનગી બાતમીદારો (હ્યુમન સોર્સીસ) દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતી બે મહિલાઓની ઓળખ કરી તેઓને સફળતાપૂર્વક ઝડપી પાડી હતી.

સાયણ અને કોસંબાની બે મહિલા આરોપીઓની ધરપકડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાઓની ઓળખ સાયણ ખાતે રહેતી રૂપાબેન વાઘેલા અને કોસંબા ખાતે રહેતી હાકરબેન સોલંકી તરીકે થઈ છે. પોલીસે બંને મહિલાઓની અટકાયત કરી ચોરીમાં ગયેલી રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતની સોનાની ચેઈન રિકવર કરી છે.
આરોપી મહિલાનો ગુનાહિત ઇતિહાસ
જહાંગીરપુરા પોલીસે પકડાયેલી મહિલા આરોપીઓની વધુ ગહન પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. પકડાયેલ આરોપીઓ પૈકી એક મહિલા સામે અગાઉ પણ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાઈ ચૂકેલો છે. આ મહિલાઓ ભીડભાડ વાળા બજારોને નિશાન બનાવીને ચોરીના બનાવોને અંજામ આપતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની સાથે અન્ય કોઈ સાગ્રીતો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.