શું હોય છે એનાલોગ પનીર? મહારાષ્ટ્રમાં મૂકાયો બેન, જાણો સ્વાસ્થ્ય માટે કેમ છે જોખમી

4 Min Read

સાવધાન! તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે ‘એનાલોગ’? મહારાષ્ટ્રમાં મૂકાયો સંપૂર્ણ પ્રતિબંધ: જાણો ડોક્ટરો કેમ ચિંતિત છે?

ભારતીય ઘરોમાં પનીર માત્ર એક વાનગી નથી પરંતુ શાકાહારીઓ માટે પ્રોટીન અને પોષણનો સૌથી મોટો સ્ત્રોત છે. સામાન્ય રીતે ઘરોમાં, હોટલોમાં કે ઢાબા પર જ્યારે પણ પનીરની વાનગીઓ પીરસવામાં આવે છે, ત્યારે લોકો તેને દૂધમાંથી બનેલું શુદ્ધ અને પૌષ્ટિક ઉત્પાદન માનીને જ આરોગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા થાળીમાં પીરસાતું પનીર કદાચ દૂધનું બનેલું જ નથી?

હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ‘એનાલોગ પનીર’ (Analog Paneer) ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. મહારાષ્ટ્ર આવો નિર્ણય લેનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્રાહકોને અંધારામાં રાખીને નોન-ડેરી પનીરને અસલી ડેરી પનીર તરીકે વેચવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

- Advertisement -

panir.jpg

એનાલોગ પનીર એટલે શું?

ફરીદાબાદ સ્થિત અમૃતા હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મહેન્દ્ર સિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, પરંપરાગત અથવા અસલી પનીર સંપૂર્ણપણે શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે. તેમાં કુદરતી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B12 અને અન્ય આવશ્યક ડેરી પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે.

- Advertisement -

તેનાથી વિપરીત, એનાલોગ પનીર બનાવવા માટે દૂધનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી અથવા નહિવત પ્રમાણમાં થાય છે. તેને બનાવવા માટે વનસ્પતિ ચરબી (Vegetable Fat/Palm Oil), પામ તેલ, સ્ટાર્ચ, કેમિકલ ઇમલ્સિફાયર અને વિવિધ ફૂડ એડિટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક સિન્થેટિક અથવા નોન-ડેરી પ્રોડક્ટ છે, જે જોવામાં અને સ્વાદમાં આબેહૂબ અસલી પનીર જેવી જ લાગે છે.

બજારમાં કેમ વધી રહ્યું છે તેનું વેચાણ?

એનાલોગ પનીર લોકપ્રિય થવાનું સૌથી મોટું કારણ તેની ઓછી કિંમત છે. દૂધમાંથી બનતું શુદ્ધ પનીર મોંઘુ હોય છે, જ્યારે વનસ્પતિ તેલ અને કેમિકલ્સમાંથી બનતું એનાલોગ પનીર અત્યંત સસ્તા દરે તૈયાર થઈ જાય છે.

ઘણી હોટલો, રેસ્ટોરાં અને કેટરિંગ સર્વિસ પોતાના નફાનો ગાળો વધારવા માટે ગ્રાહકોને જાણ કર્યા વગર આ નકલી પનીરનો ઉપયોગ કરે છે. સરેરાશ ગ્રાહક માટે વાનગીમાં ગ્રેવી સાથે પીરસાયેલા અસલી અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત પારખવો લગભગ અશક્ય બની જાય છે. આ જ કારણસર ખાદ્ય નિયમનકારો (FSSAI) હવે આ ઉત્પાદન પર સ્પષ્ટ લેબલિંગ માટે દબાણ કરી રહ્યા છે.

- Advertisement -

સ્વાસ્થ્ય માટે કેમ ખતરનાક છે એનાલોગ પનીર?

ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો એનાલોગ પનીરના સતત સેવન સામે લાલ બત્તી ધરી રહ્યા છે. અસલી અને નકલી પનીર વચ્ચે પોષણનું મોટું અંતર હોય છે, જે શરીર માટે ગંભીર જોખમો ઊભા કરે છે:

પોષણનો અભાવ: જ્યાં અસલી પનીર પ્રોટીન અને કેલ્શિયમનો ભંડાર છે, ત્યાં એનાલોગ પનીરમાં પ્રોટીનનું પ્રમાણ નહિવત હોય છે. તેમાં મુખ્યત્વે રિફાઇન્ડ સ્ટાર્ચ અને પ્રોસેસ્ડ વનસ્પતિ ચરબી જ હોય છે.

હૃદયરોગ અને સ્થૂળતાનું જોખમ: એનાલોગ પનીરમાં વપરાતી હલકી ગુણવત્તાવાળી વનસ્પતિ ચરબી અને ટ્રાન્સ ફેટ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે, જેનાથી હૃદયરોગ અને હાઇ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે.

પાચન સંબંધી સમસ્યાઓ: કેમિકલ્સ, ઇમલ્સિફાયર અને સ્ટાર્ચના કારણે પાચનતંત્ર પર વિપરીત અસર પડે છે. ફૂડ કંટ્રોલ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, આવા બનાવટી પનીરમાં બેક્ટેરિયા અને રાસાયણિક દૂષણનું જોખમ વધારે હોય છે, જે પેટમાં ઈન્ફેક્શન, ગેસ અને એસિડિટી નોતરે છે.

બાળકો માટે હાનિકારક: બાળકોના શારીરિક વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. પરંતુ પનીર સમજીને એનાલોગ પનીર ખવડાવવાથી બાળકોમાં કુપોષણ અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે.

panir0.jpg

અસલી અને નકલી પનીર કેવી રીતે ઓળખશો?

મસળીને જુઓ: અસલી પનીરને હાથથી મસળવાથી તે સોફ્ટ રહે છે, જ્યારે એનાલોગ કે નકલી પનીર સ્ટાર્ચના કારણે રબરની જેમ ખેંચાય છે અથવા નાના-નાના દાણામાં વહેંચાઈ જાય છે.

આયોડિન ટેસ્ટ: પનીરના ટુકડા પર આયોડિન સોલ્યુશનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી (Blue) થઈ જાય, તો તેમાં સ્ટાર્ચ એટલે કે એનાલોગ પનીરની ભેળસેળ છે.

ગરમ પાણીમાં ઉકાળીને: પનીરને પાણીમાં ઉકાળીને ઠંડુ થયા પછી તેમાં સોયાબીન પાવડર અથવા તુવેર દાળનો પાવડર ઉમેરો. જો રંગ હળવો લાલ થાય, તો તેમાં યુરિયા કે કેમિકલ હોઈ શકે છે.

Share This Article